દિલ્હી પોલીસને મળી મોટી સફળતા, ISISના મોસ્ટ વોન્ટેડ આતંકી રિઝવાનની ધરપકડ
Live TV
-
દિલ્હી પોલીસે ISIS સાથે સંકળાયેલા આતંકવાદી રિઝવાન અબ્દુલની 3 લાખ રૂપિયાની ઇનામ સાથે ધરપકડ કરી છે. NIAના હિટ લિસ્ટમાં રિઝવાન સહિત કુલ ચાર આતંકીઓ હતા.
નવી દિલ્હી: 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને એક મોટી સફળતા મળી છે. સ્પેશિયલ સેલે ISIS જૂથના આતંકવાદીની ધરપકડ કરી છે. આતંકીની ઓળખ રિઝવાન તરીકે થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તે દિલ્હીના દરિયાગંજનો રહેવાસી છે. તપાસ એજન્સી NIAએ પણ આ આતંકીને 3 લાખ રૂપિયાના ઈનામ સાથે મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યો હતો.
દિલ્હીમાંથી કરાઈ રિઝવાનની ધરપકડ
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અનુસાર આતંકી રિઝવાન વિશે માહિતી મળી હતી. માહિતીના આધારે સ્પેશિયલ સેલ એક્શનમાં આવ્યું હતું. આતંકવાદી રિઝવાનને પકડવા માટે વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એક ટીમ બનાવવામાં આવી હતી. આતંકવાદી રિઝવાનની ગુરુવારે રાત્રે 11 વાગે દિલ્હીના બાયોડાયવર્સિટી પાર્ક નજીકથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેની પાસેથી હથિયાર અને ત્રણ કારતૂસ પણ જપ્ત કર્યા છે. પોલીસે આ મામલે FIR નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આતંકવાદી રિઝવાનને પકડવા માટે સુરક્ષા દળોએ લાંબા સમયથી તેમનું નેટવર્ક સક્રિય કર્યું હતું. તે ઘણા સમયથી ફરાર હતો.
કહેવામાં આવી રહ્યું છે કે રિઝવાન પુણે ISIS મોડ્યુલનો સૌથી ખતરનાક આતંકી છે. તેણે તેના કેટલાક સહયોગીઓ સાથે મળીને દિલ્હી અને મુંબઈના વીવીઆઈપી વિસ્તારોની તપાસ કરી હતી. રિઝવાન 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રિઝવાનની દિલ્હી પોલીસે વર્ષ 2018માં ધરપકડ કરી હતી. લાંબી પૂછપરછ બાદ તેને છોડી મૂકવામાં આવ્યો હતો. આતંકી રિઝવાનની ધરપકડ બાદ દિલ્હી પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ એલર્ટ મોડ પર છે. સરોજિની નગર માર્કેટ, લાજપત નગર માર્કેટ, ખાન માર્કેટ અને અન્ય બજારોમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓના પોસ્ટર ચોંટાડવામાં આવ્યા છે.