વંદે ભારત અભિયાન અંતર્ગત લગભગ 65 હજાર ભારતીયો પોતાના વતન પરત ફર્યા
Live TV
-
આ ટૂંકા ગાળામાં એર ઈન્ડિયાની વેબસાઇટની મુલાકાત 60 મિલિયનથી વધુ વખત કરવામાં આવી છે.
વંદે ભારત મિશન અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ 65 હજાર ભારતીયોને ઘરે લાવવામાં આવ્યા છે. એર ઇન્ડિયાએ યુએસએ, કેનેડા, યુકે અને યુરોપ માટે મિશનના ત્રીજા તબક્કા માટે ફક્ત 15 કલાકમાં 22 હજારથી વધુ સીટો વેચી દીધી છે.
મુસાફરોની સંખ્યા જોતા એર ઇન્ડિયાએ આજે કહ્યું કે ત્રીજા તબક્કા હેઠળ વધુ બેઠકો આપવામાં આવશે. ગઈકાલે સાંજે પાંચ વાગ્યે ટિકિટનું વેચાણ શરૂ થયું હતું અને મોટાભાગની બેઠકો આજે સવારે આઠ વાગ્યા સુધીમાં બુક કરાઈ હતી. એક નિવેદનમાં એર ઈન્ડિયાએ જણાવ્યું છે કે આ ટૂંકા ગાળામાં તેની વેબસાઇટની મુલાકાત 60 મિલિયનથી વધુ વખત કરવામાં આવી છે.
એર ઇન્ડિયા આ મહિનાની દસમી તારીખથી 1લી જુલાઇ સુધી યુરોપ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુએસએ, યુકે અને આફ્રિકાની લગભગ ત્રણસો ફ્લાઇટ્સનું સંચાલન કરશે. વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા એર ઇન્ડિયાએ વંદે ભારત મિશનના પ્રથમ તબક્કામાં 64 ફ્લાઇટ્સ ચલાવી હતી અને 12 હજાર 708 ભારતીયોને પરત ઘરે લાવવામાં આવ્યા હતા. ચાલુ બીજા તબક્કામાં 290 ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવ્યું છે અને 52 હજાર 113 ભારતીય વતન પરત ફર્યા છે.
