સરહદી વિસ્તારોમાં જમીનની લે-વેચ, આર્થિક વ્યવહારો અને બાંધકામ પર કડક નજર રાખવામાં આવે: ગૃહમંત્રી અમિત શાહ
Live TV
-
સરહદી વિસ્તારોમાં જમીનની લે-વેચ, આર્થિક વ્યવહારો અને બાંધકામ પર કડક નજર રાખવામાં આવે: ગૃહમંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. તેમણે સરહદી વિસ્તારોમાં થતા શંકાસ્પદ નાણાકીય વ્યવહારો, મોટા મકાનોના બાંધકામ તેમજ મિલકતોની ખરીદી અને વેચાણ (પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન) પર કડક દેખરેખ રાખવા આહ્વાન કર્યું છે. આ સાથે જ તેમણે છેલ્લા પાંચ વર્ષના જમીનના તમામ રેકોર્ડની ઝીણવટભરી તપાસ કરવાનો પણ આદેશ આપ્યો છે.
BSF મુખ્યાલય ખાતે મળી ઉચ્ચ સ્તરીય બેઠક
ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ત્રિપુરાના સાલબાગાન સ્થિત Border Security Force (BSF) ના સરહદ મુખ્યાલય ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. પૂર્વોત્તર રાજ્યના સરહદી વિસ્તારોની સુરક્ષા અને વ્યવસ્થા અંગે યોજાયેલી આ બેઠકમાં ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા, મુખ્ય સચિવ, ડીજીપી તેમજ તમામ ૮ સરહદી જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) અને પોલીસ અધિક્ષક (SP) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સરહદ સુરક્ષા એ માત્ર સેનાની નહીં, સામૂહિક જવાબદારી: અમિત શાહ
બેઠક દરમિયાન ગૃહમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, સરહદની સુરક્ષા એ કોઈ અલગ ફરજ નથી પરંતુ એક પ્રાદેશિક અને સામૂહિક જવાબદારી છે. વધુમાં કહ્યું "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની સરહદોની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. માત્ર ફેન્સિંગ (તારની વાડ) કરવાથી સરહદો સુરક્ષિત નથી થતી, પરંતુ સ્થાનિક વહીવટીતંત્ર, સ્માર્ટ ટેક્નોલોજી અને BSFના સંકલનથી એક અભેદ્ય સુરક્ષા ગ્રીડ (Security Grid) તૈયાર કરવી જરૂરી છે."
સરહદી વિસ્તારોમાં વસ્તી વિષયક ફેરફારો અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે છેલ્લા 5 વર્ષના જમીનના દસ્તાવેજો તપાસવામાં આવશે. સરહદી જિલ્લાઓમાં આર્થિક ગેરરીતિઓ રોકવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) નકલી ચલણ (ફેક કરન્સી) અંગે સર્વે કરશે. આ ઉપરાંત કલેક્ટર્સ અને GST અધિકારીઓને વિશેષ તાલીમ અપાશે. ગૃહ મંત્રાલયનું આધુનિક CCTV મોડલ સૌપ્રથમ ત્રિપુરામાં લાગુ કરવામાં આવશે. BSFના તમામ કેમેરા અપગ્રેડ કરીને તેને સીધા જિલ્લા વહીવટીતંત્ર સાથે જોડવામાં આવશે. સરહદ પારથી થતી નશીલા પદાર્થો અને હથિયારોની તસ્કરીને નાબૂદ કરવા માટે સ્થાનિક પોલીસ અને BSF સંયુક્ત રીતે ઓપરેશન ચલાવશે. તેમજ સરહદી ગામડાઓમાં સ્થાનિક નાગરિકો, પટવારી અને સરપંચોને જાગૃત કરવા માટે વિશેષ કેમ્પ યોજવામાં આવશે.
આ બેઠકથી સ્પષ્ટ થાય છે કે કેન્દ્ર સરકાર પૂર્વોત્તર રાજ્યોની આંતરરાષ્ટ્રીય સરહદો પર સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક અને ટેક્નોલોજીથી સજ્જ કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
