EDની ધરપકડ વિરુદ્ધ CM કેજરીવાલની અરજી પર આજે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો
Live TV
-
અરવિંદ કેજરીવાલે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તેમની ધરપકડ અને પ્રથમ રિમાન્ડના નિર્ણયને પડકાર્યો છે. કેજરીવાલની ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ટ્રાયલ કોર્ટે તેમના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
દિલ્હીમાં કથિત આબકારી નીતિ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડને પડકારતી મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટ શુક્રવારે તેનો ચુકાદો સંભળાવશે. સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરાયેલી 12 જુલાઈની યાદી અનુસાર જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચ ચુકાદો સંભળાવશે. બેન્ચે 17 મેના રોજ કેજરીવાલની અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. બેન્ચમાં જસ્ટિસ દીપાંકર દત્તા પણ સામેલ છે.
15 એપ્રિલે સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડને પડકારતી કેજરીવાલની અરજી પર ED પાસેથી જવાબ માંગ્યો હતો. આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનરે દિલ્હી હાઈકોર્ટના 9 એપ્રિલના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. દિલ્હી હાઈકોર્ટે કેસમાં કેજરીવાલની ધરપકડને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે તેમાં કોઈ ગેરકાયદેસરતા નથી અને તપાસમાં જોડાવાનો વારંવાર ઇનકાર કર્યા પછી ED પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી.
કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમને નીચલી અદાલતે 20 જૂને આ કેસમાં રૂ. 1 લાખના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા. જો કે, કેજરીવાલને જામીન આપવાનો ટ્રાયલ કોર્ટનો આદેશ એકતરફી અને ખોટો હોવાની દલીલ કરીને EDએ બીજા દિવસે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. કેજરીવાલની પણ CBI દ્વારા 26 જૂને કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.