SCનો અલ્હાબાદ હાઈકોર્ટના વિવાદાસ્પદ નિર્ણય પર સ્ટે, રાષ્ટ્રીય મહિલા આયોગે કર્યું સ્વાગત
Live TV
-
રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબ્લ્યુ) એ, અલ્હાબાદ હાઈકોર્ટના વિવાદાસ્પદ ચુકાદા પર સ્ટે મૂકવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે.
રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબ્લ્યુ) એ, અલ્હાબાદ હાઈકોર્ટના વિવાદાસ્પદ ચુકાદા પર સ્ટે મૂકવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે. આ નિર્ણયમાં, અલ્હાબાદ હાઈકોર્ટે કાસગંજની ટ્રાયલ કોર્ટના આદેશને ઉલટાવી દીધો અને કહ્યું કે પીડિતાના ગુપ્ત ભાગોને સ્પર્શ કરવો અને તેના સલવારનો દોર તોડવો એ બળાત્કાર અથવા બળાત્કારનો પ્રયાસ માનવામાં આવશે નહીં પરંતુ તેને ગંભીર જાતીય સતામણી ગણવામાં આવશે. સુપ્રીમ કોર્ટની બેન્ચે હાઈકોર્ટના નિર્ણયનું સ્વતઃ સંજ્ઞાન લીધું, જેના કારણે લોકોમાં ઘણો ગુસ્સો ફેલાયો. બેન્ચે હાઈકોર્ટના મંતવ્ય સાથે સખત અસહમતી દર્શાવી અને આદેશને આઘાતજનક ગણાવ્યો હતો. જસ્ટિસ બીઆર ગવઈની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે, હાઈકોર્ટના આદેશમાં કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ અસંવેદનશીલ અને અમાનવીય હતી.
મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાટકરે જણાવ્યું હતું કે, આ સંદર્ભમાં એક વિગતવાર અહેવાલ કાયદા અને ન્યાય મંત્રાલયને સુપરત કરવામાં આવ્યો છે. આ સાથે, કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અર્જુન રામ મેઘવાલ સાથે ચર્ચા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, એનસીડબ્લ્યુ મહિલાઓ અને બાળકો માટે ન્યાય સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે અને તેમના અધિકારોના રક્ષણ માટે મજબૂત કાનૂની માળખાની હિમાયત કરવાનું ચાલુ રાખશે.