Skip to main content
Settings Settings for Dark

વાંચન વિશેષ : જાણો આ રેપિડ એન્ટિ બોડી ટેસ્ટ અને rRT-PCR ટેસ્ટ શું છે ?

Live TV

X
  • કોરોના માટે આપણે 2 ટેસ્ટ કરીએ છીએ. 1) રેપિડ એન્ટિબોડી ટેસ્ટ 2) rRT –PCR ..આ બંને ટેસ્ટમાંથી જે કોરોના વાયરસ ની હાજરી કન્ફર્મ કરે છે તે ટેસ્ટ એટલે rRT-PCR એના વિશે લેખના બીજા ભાગમાં ચર્ચા કરી છે. આ ટેસ્ટ ગોલ્ડન ટેસ્ટ કહેવાય છે.

    ઉત્સવ પરમાર : અત્યારે  જે શબ્દનું  સૌથી વધુ પ્રચલન ચાલી રહ્યું છે તે છે ટેસ્ટિંગ ! કોરોનાના સંદર્ભે આપણે બે ટેસ્ટ વિશે સાંભળીએ છીએ પણ બંનેને એકબીજા સાથે કન્ફ્યુજ કરી દઈએ છીએ.  ભારતમાં કોવિડ અંગે ટેસ્ટની રણનીતિ નક્કી કરતી સંસ્થા ICMR  એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ છે.  કોરોના સામેની લડાઈ સીધી સટ નથી – એમાં  રિલે રનિંગ પણ આવે , હાઇ જમ્પ , લોંગ જમ્પ , સ્વિમિંગ – જાત જાતના વિઘ્નો આવે ! જેમ જેમ વિઘ્નો આવતા જાય એમ એમ રણનીતિ બદલાતી જાય.  આપણે પણ બદલાતી પરિસ્થિતિ મુજબ –બદલાતા પડકારો મુજબ આગળ વધી રહ્યા છીએ. આજની તારીખ સુધીમાં ભારતે 5 લાખથી વધુ ટેસ્ટ કરી લીધા છે એ કાબિલે તારીફ છે. 

    કોરોના માટે આપણે 2 ટેસ્ટ કરીએ છીએ.  1) રેપિડ એન્ટિબોડી ટેસ્ટ  2) rRT –PCR 

    આ બંને ટેસ્ટમાંથી જે કોરોના વાયરસ ની હાજરી કન્ફર્મ કરે છે તે ટેસ્ટ એટલે rRT-PCR એના વિશે લેખના બીજા ભાગમાં ચર્ચા કરી છે.  આ ટેસ્ટ ગોલ્ડન ટેસ્ટ કહેવાય છે. 

    જે ટેસ્ટ બહુ ચર્ચામાં છે એ છે રેપિડ એન્ટિ બોડી ટેસ્ટ ! આ માટેની ટેસ્ટિંગ કીટસ જ હંગામો મચાવી રહી છે.  આ ટેસ્ટને રેપિડ એટલા માટે કહેવાય છે કારણ કે આ ટેસ્ટ 15 મિનિટમાં પરિણામ આપે છે. પણ આ ટેસ્ટ કોરોના છે કે નહીં એ નથી કહેતો! આ ટેસ્ટ એમ કહે છે કે આ ટેસ્ટમાં પોજીટીવ આવેલા  વ્યક્તિને  કોરોના હોવાની પ્રબળ “સંભાવના” હોઇ શકે.  એમને આગળના સ્ટેજમાં મોકલો- rRT –PCR કરાવો.  એટલે રેપિડ એંટીબોડી ટેસ્ટ એક સર્વેક્ષણની પદ્ધતિ છે- જે કોરોના પોજીટીવને શોધવાનું કામ જડપી કરે છે. rRT –PCRના પરિણામ આવતા વાર લાગે અને થોડી લાંબી પ્રક્રિયા પણ છે એટલે જો રેપિડ ટેસ્ટના પોજીટીવ લોકોના rRT –PCR કરવામાં આવે તો ફટાફટ પેશન્ટ પકડમાં આવે અને સારવાર થાય.  ટૂંકમાં રેપિડ ટેસ્ટ સ્કેનિંગનું કામ કરે છે- સિવિલ સર્વિસમાં પ્રિલિમ્સ હોય એવું. 

    રેપિડ ટેસ્ટનું સિમ્પલ સાયન્સ સમજીએ.  રેપિડ ટેસ્ટમાં બ્લડ સેમ્પલ લેવાય છે.  આ સેમ્પલમાં એન્ટિ બોડી છે કે નહીં તેની તપાસ થાય છે.  હવે આ એન્ટિ બોડી કે પ્રતિદ્રવ્યો શું છે?  સાદી ભાષામાં કહું તો બહારથી દુશ્મનનો અટેક થાય ત્યારે શરીરના  સૈનિકોની ટુકડી અલર્ટ થઈ જાય છે.  આ સૈનિકોની ટુકડી બાયોલોજિકલ રણનીતિ નીચે આ દુશ્મનનો સામનો કરે છે.  આ કેવું છે તમે દૂરબીન લઈને બાલ્કનીમાં બેઠા છો અને સરહદ પર આપણાં સૈનિકોની ચોક્કસ મૂવમેન્ટ દેખાય એટલે તમને તરત ખ્યાલ આવે કે બોર્ડર પર કઈક લોચો છે.   બાયોલોજીની ભાષામાં આ દુશ્મનને-આ વાયરસને એન્ટિ જન કહેવાય અને આ જે સૈનિકો છે એને એન્ટિ બોડી !  એન્ટિ બોડી પણ એક પ્ર્કારના પ્રોટીન જ છે .  આ એન્ટિ બોડીને ઇમ્યુનોગ્લોબ્યુલિન કે ટૂંકમાં (Ig) તરીકે પણ ઓળખવામાં આવે છે. આવા A, D, G, M, E  તરીકે ઓળખાતી અલગ અલગ ટુકડીઓ છે.  જ્યારે પણ કોઈ સાવ જ અજાણ્યો વાયરસ કે બેક્ટેરિયા કે કોઈ પણ નવું બાયોલોજિકલ તત્વ શરીરમાં ઘૂસ મારે કે IgM  (ઇમ્યુનોગ્લોબ્યુલિન M ) તરીકે ઓળખાતા સૈનિકો એક્શન મોડમાં આવી જાય અને  જ્યાં સુધી IgM ની લડાઈ ચાલતી હોય ત્યાં સુધી વાયરસનો વિનાશ વેરવા IgG (ઇમ્યુનોગ્લોબ્યુલિન G) પ્રકારના એન્ટિબોડી તૈયાર થઈને ઊભા થઈ જાય. મૂળ લોહીમાં IgG  અને IgM  બંને મળે કે કોઈ પણ એક મળે તો કહી શકાય કે કોઈ મોટી લડાઈ ચાલુ છે અથવા તો લડાઈ થઈ ચૂકી છે.  રેપિડ ટેસ્ટ આ બંનેની હાજરી પારખીને સંદેશ આપે છે કે શરીરમાં બહારનો કોઈ દુશ્મન છે- પણ આ દુશ્મન કોણ છે એ ખબર નથી પડતી અને એટલે જ દુશ્મનની પાકી  ઓળખ કરવા rRT-PCR માટે મોકલવામાં આવે છે.  આમ રેપિડ ટેસ્ટ આપણું
    કામ સરળ કરી નાખે છે. 

    હવે આમાં એક લોચો એ છે કે IgM  જેવો વાયરસ ઘૂસે તેવા અલર્ટ નથી થતાં. એને 5-7 દિવસ જેવો સમય લાગે.  એટલે જો ચેપના બહુ જ શરૂઆતના દિવસ હોય તો રેપિડ ટેસ્ટ નેગેટિવ આવી શકે.  આ ટીમ 28 દિવસ સુધી લોહીમાં જોવા મળી શકે.  એટલે ચેપ લાગ્યાના અઠવાડીયા પછી રેપિડ ટેસ્ટ આને પકડી શકે. બીજી IgGની ટીમ બહુ અગત્યની છે – આ ટીમ  ચેપના 14 દિવસ પછી એક્શનમાં આવે પણ આ ટીમ અગત્યની છે કેમ કે દુશ્મન કા ચેહરા આ જ ટીમ યાદ રાખે છે.  એને એટલી સારી રીતે દુશ્મનનો ચહેરો યાદ રહી જાય છે કે ફરી અટેક થાય તો ધીબેડી નાખે ! પ્લાઝમા થેરપીમા જે એન્ટિબોડી વપરાય તે IgG !  આ એ સૈનિકો છે જે દુશ્મનને ઓળખે છે એટલે સાજા થઈ ગયેલા દર્દીના લોહીમાથી આ એન્ટિ બોડી લઈને  એને બીજાના શરીરમા આ એન્ટિ બોડી નખાય છે – જે આ લડાઈ લડવામાં મદદ કરી શકે. IgG  લાંબો સમય સુધી લોહીમા રહે એટલે શક્ય છે કે IgG ના લીધે પોજીટીવ ટેસ્ટ આવે તો ત્યારે કદાચ દર્દી સાજો પણ થઈ ગયો હોય. પણ મૂળે આ બંનેની હાજરી આપણને આગળ વધવામાં મદદ ચોક્કસ કરે છે.   (In short IgM = Active Infection and IgG = Past
    Infection or immunity against virus )

    તો હવે તમને સમજાયું હશે – રેપિડ એન્ટિ બોડી ટેસ્ટ શું કામ કરે છે. 

    હવે બીજા તબક્કામાં આવીએ : 

    રેપિડ ટેસ્ટમા જે માણસો પકડાયા એ માણસોમા કોરોના હોવાની સંભાવના વધુ છે. એટલે એમનો ફૂલ એન્ડ ફાઇનલ ટેસ્ટ કરીએ તો ફટાફટ કોરોના સંકર્મિત લોકો મળી આવશે. આ ફૂલ એન્ડ ફાઇનલ ટેસ્ટ એટલે rRT-PCR . આનું આખું નામ છે –રિયલ ટાઇમ રિવર્સ ટ્રાન્સ-સ્ક્રિપશન  – પોલિ-મરેઝ-ચેઇન- રિ-એક્શન !  યાદ રાખવાની બિલકુલ જરૂર નથી.  

    આ ટેસ્ટમા શું થાય છે-  આ ટેસ્ટમા ગળા કે નાકમાથી સેમ્પલ લેવામાં આવે છે.  આ સેમ્પલ લેવું પણ કાઠું કામ છે-  ચોક્કસ માત્રા અને ગુણવત્તાનું સેમ્પલ હોય તો જ આ ટેસ્ટમા ચોક્કસ રિજલ્ટ મળી શકે છે. અને કોરોના છે કે નહીં એવું પાકા પાયે આ જ ટેસ્ટ કહી શકે છે – તમે જે આંકડાઓ જુઓ છો એ આ જ ટેસ્ટના છે. 

    તમે મારા જૂના આર્ટીકલમાં વાંચી ગયા કે આ વાયરસ RNAનો બનેલો છે.  જેમ આપની અંદર DNAની બે દોરડી હોય એમ વાયરસમાં RNAનો એક જ દોરો હોય છે.  હવે rRT-PCRમાં આ એક દોરામાં થી બે દોરા જેવો બનાવાય છે જેથી આપણાં મશીનમાં વાયરસ પકડાઈ જાય. આ મશીનમાં આમ તો પેલો વાયરસનો  જીનોમ સિકવન્સ નાખેલો હોય છે- એટલે આપણાં સેમ્પલની જેનેટિક માહિતી અને મશીનની માહિતી મેચ થાય તો કોરોનાનો થપ્પો ! જો કે  આમાં પરિણામ આવતા 8 કલાકનો સમય લાગી શકે – એટલે સમય ભલે લાગતો પણ ટકોરા બંધ પરિણામ આપે છે.  હા, આમાં જો સેમ્પલ સરખું ના લેવાય કે પ્રોસીજર પ્રમાણે કામ ના થાય તો રિઝલ્ટ  ખોટું આવી શકે.   

    આમ ,  આ વાયરસની બોચી પકડવામાં લાંબી મગજમારી છે- ટેસ્ટિંગ માટે આપણાં જેવા દેશમાં અલગ પ્રકારની રણનીતિ કેમ કરવી પડતી હશે એ તમને સમજાયું હશે.  ટેસ્ટિંગની લેટેસ્ટ માહિતી માટે ICMRની વેબસાઇટ જોતાં રહો.

    (Utsav Parmar, IIS , Assistant Director (News), DD News  Ahmedabad)

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2024 Max Temp : °C Min Temp : °C
apply