અમદાવાદઃ સ્વૈચ્છિક સંસ્થા દ્વારા "પેજ લાઇફ સ્ટાઇલ એક્ઝિબિશન"નામનું હેન્ડીક્રાફ્ટ મેળાનું આયોજન
Live TV
-
અમદાવાદઃ સ્વૈચ્છિક સંસ્થા દ્વારા "પેજ લાઇફ સ્ટાઇલ એક્ઝિબિશન"નામનું હેન્ડીક્રાફ્ટ મેળાનું આયોજન
ગુજરાતમાં શ્રાવણ માસના વ્રત તહેવારો અને ઉત્સવો નજીક આવી રહ્યા છે ત્યારે લોકોમાં ખરીદી કરવાનું એક ખાસ આકર્ષણ હોય છે. ત્યારે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા "પેજ લાઇફ સ્ટાઇલ એક્ઝિબિશન" નામે એક હેન્ડીક્રાફ્ટ મેલાનું આયોજન કરવામાં આવ્યું છે. આ હેન્ડીક્રાફ્ટ મેળામાં ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી ધાતુની જ્વેલરી, ખાદીના કપડાઓ અને અન્ય ચીજ વસ્તુઓને વેચાણ અર્થે મુકવામાં આવી છે. સાથે સાથે આ મેળામાં ન્યુ સ્ટાર્ટ અપ ડિઝાઈનર્સ અને ગૃહ ઉદ્યોગ ચલાવતી ગૃહિણીઓ દ્વારા તૈયાર કરાયેલા ઉત્પાદનોને પણ વેચાણ અર્થે મૂકવામાં આવ્યા છે.
પ્રદર્શનના સંયોજક પાયલ જોશીએ જણાવ્યું હતું કે, ન્યુ સ્ટાર્ટ અપ અને ધંધો રોજગારમાં પહેલ કરનારા નાના વેપારીઓને પ્રોત્સાહન મળે અને તેમને પણ વેપારનુ એક પ્લેટફોર્મ મળે તેવા આશયથી આ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં વિવિધ ધાતુમાંથી બનાવેલી જ્વેલરી ઉપરાંત ગારમેન્ટ અને મોતીઓ પરની જ્વેલરી ખૂબ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આ સાથે તહેવારને અનુલક્ષીને હાથસાળની ચીજવસ્તુઓ, યુવા ડિઝાઇનર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા સુતરાઉ તેમજ ખાદીના કપડાઓ સહિતની અનેક ગૃહ ઉદ્યોગોના તેમજ ગ્રામીણ ઉત્પાદનોને વેચાણ અર્થે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે અને તેના દ્વારા તેઓની ચીજ વસ્તુઓ સીધું વેચાણ થવાથી આર્થિક લાભ પણ મળી રહ્યો હોવાનું ભાગ લેનારા નાના ઉત્પાદકોએ જણાવ્યું હતું.
