ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ 600 રૂપિયા પ્રતિ ટન ઘટ્યો, નવા દર લાગુ
Live TV
-
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડા વચ્ચે, કેન્દ્ર સરકારે દેશમાં ઉત્પાદિત ક્રૂડ ઓઇલ પરના વિન્ડફોલ ટેક્સમાં 600 રૂપિયા પ્રતિ ટનનો ઘટાડો કર્યો છે. તે જ સમયે, ડીઝલ, પેટ્રોલ અને એરક્રાફ્ટ ટર્બાઇન ઇંધણ (એટીએફ) ની નિકાસ પર, વિશેષ વધારાની આબકારી જકાત (એસએઈડી) શૂન્ય પર રાખવામાં આવી છે. નવા દરો આજ (મંગળવાર)થી અમલમાં આવી ગયા છે.
નાણા મંત્રાલયના નોટિફિકેશન મુજબ, દેશમાં ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સમાં 600 રૂપિયા પ્રતિ ટનનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા બાદ, હવે સ્થાનિક ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ, પ્રતિ ટન રૂ. 2,300 થી ઘટીને રૂ. 1,700 પ્રતિ ટન થઇ ગયો છે. અગાઉ 2 જાન્યુઆરીએ, સ્થાનિક ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ 1,300 રૂપિયા પ્રતિ ટનથી વધારીને 2,300 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો હતો. આ સિવાય ડીઝલ, પેટ્રોલ અને એટીએફ ની નિકાસ પર, એસએઈડી શૂન્ય પર જાળવવામાં આવી છે.
નોંધનીય છે કે, સરકારે પહેલીવાર 1 જુલાઈ 2022ના રોજ દેશમાં ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ લગાવ્યો હતો. દર 15 દિવસે, સરકાર છેલ્લા બે અઠવાડિયામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતના આધારે સ્થાનિક ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સનો દર નક્કી કરે છે.
