શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 300થી વધુ પોઈન્ટ તૂટ્યો
Live TV
-
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 300થી વધુ પોઈન્ટ તૂટ્યો
વૈશ્વિક બજારમાંથી મળી રહેલા નબળા સંકેતો અને પશ્ચિમ એશિયામાં વધી રહેલી ભૌગોલિક-રાજકીય અસ્થિરતાની સીધી નકારાત્મક અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. અમેરિકા દ્વારા ઈરાનને આપવામાં આવેલી નવી ધમકી અને સ્થાનિક ચલણ રૂપિયામાં જોવા મળી રહેલા સતત ઘટાડાને કારણે આજે ભારતીય શેરબજાર રાતા નિશાન સાથે ખૂલ્યા હતા.
સેન્સેક્સ અને નિફ્ટીમાં ગાબડું
બજાર ખૂલતાની સાથે જ રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવતા ચોતરફ વેચવાલી જોવા મળી હતી. BSE સેન્સેક્સ હાલમાં 318 પોઈન્ટના ઘટાડા સાથે 74885ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે. NSE નિફ્ટી 80 પોઈન્ટ તૂટીને 23000 ની મહત્વપૂર્ણ મનોવૈજ્ઞાનિક સપાટી પર આવી ગયો છે. બજારના નિષ્ણાતોના મતે, આજે ખાસ કરીને FMCG, બેંકિંગ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટરના શેરોમાં ભારે વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે, જેના કારણે બજાર પર સતત દબાણ સર્જાયું છે.
રૂપિયો નબળો પડ્યો
શેરબજાર ઉપરાંત ચલણ અને કોમોડિટી માર્કેટમાં પણ ભારે હલચલ જોવા મળી રહી છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો સતત નવમા દિવસે નબળો પડીને 96.91ની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચી ગયો છે.
વૈશ્વિક સ્તરે ડૉલરની મજબૂતી અને ક્રૂડ ઓઈલના વધતા ભાવ ભારતીય અર્થતંત્ર માટે ચિંતાનો વિષય છે. જો આગામી સમયમાં મિડલ ઈસ્ટમાં તણાવ ઓછો નહીં થાય, તો શેરબજારમાં હજુ પણ વધુ અસ્થિરતા અને ઘટાડો જોવા મળી શકે છે તેમ બજારના વિશ્લેષકોનું માનવું છે.
