શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 400 અંક તૂટ્યો, જ્યારે સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો
Live TV
-
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 400 અંક તૂટ્યો, જ્યારે સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો
સપ્તાહના પ્રથમ જ દિવસે ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. વૈશ્વિક સંકેતો અને સ્થાનિક બજારમાં પ્રોફિટ બુકિંગને કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને રેડ ઝોનમાં કારોબાર કરી રહ્યા છે. બીજી તરફ, કિંમતી ધાતુઓના ભાવ આસમાને પહોંચતા રોકાણકારોમાં ફાળ પડી છે.
શેરબજારની સ્થિતિ: સેન્સેક્સ-નિફ્ટીમાં ગાબડું
કારોબારી સપ્તાહના પ્રારંભે બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. સેન્સેક્સ: 400 અંકના ઘટાડા સાથે 83,173 ની સપાટીએ પહોંચ્યો છે. નિફ્ટી: 125 અંકથી વધુના ઘટાડા સાથે 25,565 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. ખાસ કરીને મીડિયા અને ઓટો સેક્ટરના શેરોમાં આજે ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે, જેના કારણે રોકાણકારોના નાણાં ધોવાયા છે.
સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી
શેરબજારમાં ઘટાડાની સામે બુલિયન માર્કેટમાં ભડકો જોવા મળ્યો છે. સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે:
ચાંદીના ભાવમાં અધધ 9,659 રૂપિયાનો વધારો થતા તે 2,62,384 રૂપિયા પર પહોંચી છે. સોનાના ભાવમાં પણ 2,136 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે, જે હાલ 1,40,955 રૂપિયાની સપાટીએ કારોબાર કરી રહ્યું છે.
નિષ્ણાતોના મતે વૈશ્વિક અસ્થિરતા અને ડોલરના મૂલ્યમાં ફેરફારને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં આ અસાધારણ તેજી જોવા મળી રહી છે.
