શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સમાં 700થી વધુ પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23,100 પાર
Live TV
-
પશ્ચિમ એશિયાના સંઘર્ષમાં તણાવ ઘટવાની આશા અને ભૌગોલિક રાજકીય ચિંતાઓ હળવી થવાને કારણે બુધવારે સતત બીજા દિવસે દલાલ સ્ટ્રીટમાં તેજી જોવા મળી હતી. આ ઉપરાંત, અહેવાલો મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન મારફત ઈરાનને 15-પોઈન્ટનો પ્લાન પ્રસ્તાવિત કર્યો હોવાની ચર્ચાએ રોકાણકારોનો આત્મવિશ્વાસ વધાર્યો હતો.
પશ્ચિમ એશિયાના સંઘર્ષમાં તણાવ ઘટવાની આશા અને ભૌગોલિક રાજકીય ચિંતાઓ હળવી થવાને કારણે બુધવારે સતત બીજા દિવસે દલાલ સ્ટ્રીટમાં તેજી જોવા મળી હતી. આ ઉપરાંત, અહેવાલો મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન મારફત ઈરાનને 15-પોઈન્ટનો પ્લાન પ્રસ્તાવિત કર્યો હોવાની ચર્ચાએ રોકાણકારોનો આત્મવિશ્વાસ વધાર્યો હતો.
શેરબજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ આશરે 600 પોઈન્ટ અથવા 0.80 ટકા વધીને 74,652 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 150 પોઈન્ટ અથવા 0.66 ટકાના વધારા સાથે 23,064 પર ટ્રેડ થઈ રહ્યો હતો. શરૂઆતી ટ્રેડિંગમાં 30 શેર ધરાવતો સેન્સેક્સ ઇન્ડેક્સ તેની તેજી જાળવી રાખી સવારે 9.18 વાગ્યા સુધીમાં 771 પોઈન્ટ અથવા 1.04 ટકા વધીને 74,840 ની ઇન્ટ્રાડે હાઈ સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી પણ લગભગ 1 ટકા અથવા 260 પોઈન્ટ ઉછળીને 23,173.05 પર પહોંચ્યો હતો.
ક્ષેત્રવાર જોઈએ તો ઓટો, રિયલ્ટી અને મીડિયા શેરોની આગેવાની હેઠળ મોટાભાગના ઈન્ડેક્સ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. નિફ્ટી ઓટોમાં 1.47 ટકા, નિફ્ટી રિયલ્ટીમાં 1.39 ટકા, નિફ્ટી મીડિયામાં 1.30 ટકા અને નિફ્ટી મેટલમાં 1.23 ટકાનો વધારો થયો હતો. પીએસયુ બેંક અને ફાઇનાન્શિયલ સર્વિસિસ ઇન્ડેક્સમાં પણ 1 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે આઈટી (IT) સેક્ટર દબાણ હેઠળ રહ્યું હતું. બ્રોડર માર્કેટમાં પણ સકારાત્મક સેન્ટિમેન્ટ જોવા મળ્યું હતું, જેમાં નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100માં આશરે 1-1 ટકાનો વધારો થયો હતો.
વિશ્લેષકોના મતે, મેક્રો ઇકોનોમિક સંકેતો ઉપરાંત હવે આગામી સમયમાં સ્ટોક-સ્પેસિફિક ગતિવિધિઓ બજારને દિશા આપશે. જોકે વૈશ્વિક પરિબળોએ પોઝિટિવ ઓપનિંગમાં મદદ કરી છે, પરંતુ બજારનું માળખું હજુ પણ નાજુક હોવાની તેમણે ચેતવણી આપી હતી. વિશ્લેષકોએ નોંધ્યું હતું કે, "બજારમાં ટકાઉ તેજી માટે મુખ્ય અવરોધક સપાટીઓ (Resistance levels) ઓળંગવી જરૂરી છે, અન્યથા 'સેલ-ઓન-રાઈઝ' (ઉછાળે વેચવાલી) નો અભિગમ વર્ચસ્વ જમાવી શકે છે." તેમણે રોકાણકારોને શિસ્તબદ્ધ રહેવા અને ફંડામેન્ટલી મજબૂત શેરોમાં સુધારા વખતે રોકાણ કરવાની સલાહ આપી છે. નવી લોન્ગ પોઝિશન માટે નિફ્ટી 24,500 ની સપાટી સફળતાપૂર્વક પાર કરે તેની રાહ જોવી હિતાવહ છે.
વૈશ્વિક મોરચે, સીઝફાયરની આશા વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 7 ટકા ઘટીને 97.18 ડોલર પ્રતિ બેરલ અને યુએસ ડબ્લ્યુટીઆઈ (WTI) ક્રૂડ 6 ટકા ઘટીને 86.72 ડોલર પર આવી ગયું હતું. બીજી તરફ, અમેરિકન બજારો (વોલ સ્ટ્રીટ) ઘટાડા સાથે બંધ થયા હતા, પરંતુ એશિયન બજારોમાં જોરદાર તેજી રહી હતી. જાપાનનો નિક્કી 3.26 ટકા અને દક્ષિણ કોરિયાનો કોસ્પી 3.36 ટકા વધ્યો હતો.
