Hyundai Motor Indiaનો IPO 15 ઓક્ટોબરથી ખુલશે, જાણો પ્રાઇસ બેન્ડથી લઈને લોટ સાઇઝ સુધીની સંપૂર્ણ માહિતી
Live TV
-
દેશની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પૈકીની એક Hyundai Motor Indiaની પ્રારંભિક જાહેર ઓફર (IPO) 15 ઓક્ટોબરથી સામાન્ય રોકાણકારો માટે ખુલવા જઈ રહી છે. કંપની આ IPO દ્વારા રૂ. 27,870 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે.
અગાઉ, 2022માં ભારતીય જીવન વીમા નિગમ (LIC)નો રૂ. 21,000 કરોડનો IPO દેશનો સૌથી મોટો IPO હતો. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, IPO 15 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી રિટેલ રોકાણકારો માટે ખુલ્લો રહેશે. તેની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 1,865 થી રૂ. 1,960 નક્કી કરવામાં આવી છે.
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના એક લોટમાં સાત શેર હશે. આ સમગ્ર IPO ઑફર ફોર સેલ (OFS) હશે. મતલબ કે, આ IPO દ્વારા એકત્ર કરાયેલા તમામ નાણાં કંપનીના રોકાણકારો અથવા પ્રમોટરોને જશે.
મારુતિ સુઝુકી ઈન્ડિયા પછી હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા દેશની બીજી સૌથી મોટી કાર કંપની છે. જૂન 2024માં કંપનીનો બજાર હિસ્સો 24 ટકા હતો. ગયા નાણાકીય વર્ષમાં, કંપનીએ 7.77 લાખ વાહનોનું વેચાણ કર્યું હતું, જેમાંથી 21 ટકા આફ્રિકા, મધ્ય પૂર્વ, યુરોપ અને લેટિન અમેરિકા જેવા દેશોમાં નિકાસ કરવામાં આવ્યા હતા.
કંપની પાસે દેશમાં 1,377 સેલ્સ આઉટલેટ્સ અને 1,561 સર્વિસ આઉટલેટ્સ છે. નાણાકીય વર્ષ 2023-24માં હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાની આવક રૂ. 69,829 કરોડ હતી. આ સમયગાળા દરમિયાન, કંપનીએ રૂ. 6,060 કરોડનો નફો કર્યો હતો અને કંપનીનું માર્જિન 13.1 ટકા હતું.
નાણાકીય વર્ષ 2024-25 ના પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક 17,344 કરોડ રૂપિયા હતી. આ સમયગાળા દરમિયાન, કંપનીએ રૂ. 1,489 કરોડનો નફો કર્યો હતો અને માર્જિન 13.5 ટકા હતું.