અભિનેતા મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કરાશે, કેન્દ્રીય મંત્રીએ કર્યું જાહેર
Live TV
-
ફિલ્મ ડિસ્કો ડાન્સરથી તેમને ખાસ ઓળખ મળી હતી
હિન્દી સિનેમામાં પોતાના નૃત્ય અને કૌશલ્ય સાબિત કરનાર મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે સન્માન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે આની જાહેરાત કરી હતી. અશ્વિની વૈષ્ણવે X પોસ્ટમાં લખ્યું હતું કે, મને એ જાહેરાત કરતા ગર્વ થાય છે કે દાદાસાહેબ ફાળકે સિલેક્શન જ્યુરીએ પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે આ એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. આ એવોર્ડ 8 ઓક્ટોબરે 70 માં નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં આપવામાં આવશે.
ફિલ્મ ડિસ્કો ડાન્સરથી તેમને ખાસ ઓળખ મળી હતી
ભારતીય સિનેમામાં 74 વર્ષના મિથુન ચક્રવર્તી તેમના ડાન્સ મૂવ્સ માટે જાણીતા છે. તેમણે સિનેમાથી ટીવીની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તેમની પ્રથમ ફિલ્મનું નામ મૃગયા હતું. તેમને તેમની પ્રથમ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. આ પછી તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ 1982 માં રિલીઝ થયેલી ફિલ્મ ડિસ્કો ડાન્સરથી તેમને ખાસ ઓળખ મળી હતી. આ ફિલ્મે તેમને સ્ટાર બનાવી દીધા હતાં. લોકો તેમને પ્રેમથી 'મિથુન દા' પણ કહે છે. તેણે સાડા ત્રણસોથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે હિન્દી ઉપરાંત વિવિધ ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે.
આ વર્ષ અભિનેતાને પદ્મ ભૂષણ પુરસ્કાર પણ એનાયત કરાયો
16 જૂન 1950 ના રોજ જન્મેલા ચક્રવર્તીનું સાચું નામ ગૌરાંગ ચક્રવર્તી છે. તેઓ હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા, ગાયક અને નિર્માતા છે. તેમણે બંગાળી, ઉડિયા, ભોજપુરી, તેલુગુ અને પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અભિનેતા મિથુન દા સામાજિક કાર્યોમાં પણ સક્રિયપણે ભાગ લે છે. મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર મળ્યાના સમાચાર તેમને પદ્મ ભૂષણ એનાયત થયાના થોડા મહિના પછી જ સામે આવ્યા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી સન્માન સ્વીકાર્યું હતું
આ સમારોહ એપ્રિલમાં થયો હતો અને અભિનેતાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી સન્માન સ્વીકાર્યું હતું. સન્માન સ્વીકાર્યા પછી, તેમણે કહ્યું હતું કે, "હું ખૂબ જ ખુશ છું. મેં મારા જીવનમાં ક્યારેય કોઈ પાસેથી મારા માટે કંઈ માંગ્યું નથી. જ્યારે મને ગૃહ મંત્રાલય તરફથી ફોન આવ્યો કે મને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવી રહ્યો છે, ત્યારે હું સ્તબ્ધ થઈ ગયો કારણ કે મને તેની અપેક્ષા નહોતી.