આજે દાદાસાહેબ ફાળકેની પુણ્યતિથિ, જાણો આ મહાન મરાઠી વ્યક્તિનું શું છે ગુજરાત કનેક્શન?
Live TV
-
ભારતીય સિનેમાના જનક દાદાસાહેબ ફાળકેની આજે પુણ્યતિથિ છે, ત્યારે આખો દેશ તેમને નમન કરી રહ્યો છે. નિર્માતા, નિર્દેશક અને પટકથા લેખક દાદાસાહેબ ફાળકેએ 1913માં પહેલી ભારતીય ફૂલ લેન્થ ફિચર ફિલ્મ- રાજા હરિશ્ચંદ્રનું નિર્દેશન કર્યું હતું. દાદા સાહેબ ફાળકેનું સાચું નામ ધુંડીરાજ ગોવિંદ ફાળકે હતું. તેમનો જન્મ 30 એપ્રિલ 1870 ના રોજ મહારાષ્ટ્રના નાસિકમાં એક મરાઠી પરિવારમાં થયો હતો. તેમના પિતા સંસ્કૃત વિદ્વાન હતા. 1890 માં J. J. School of Art માંથી ચિત્રકામ શીખ્યા પછી, દાદા સાહેબ ફાળકેએ બરોડાની પ્રખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કલા ભવનમાં પ્રવેશ મેળવ્યો જ્યાંથી તેમણે મૂર્તિકળા, ઈજનેરી, ચિત્રકળા અને ફોટોગ્રાફીનું શિક્ષણ લીધું.
રાજા હરિશ્ચંદ્રથી શરૂ થયેલી તેમની કારકિર્દી 19 વર્ષ સુધી ચાલી. રાજા હરિશ્ચંદ્રની સફળતા બાદ તેમની ફિલ્મી કારકિર્દીમાં 95 ફિલ્મો અને 26 ટૂંકી ફિલ્મો બનાવી હતી. દાદા સાહેબ ફાળકેની શ્રેષ્ઠ ફિલ્મોમાં મોહિની ભસ્માસુર (1913), સત્યવાન સાવિત્રી (1914), લંકા દહન (1917), શ્રી કૃષ્ણ જન્મ (1918) અને કાલિયા મર્દન (1919)નો સમાવેશ થાય છે. તેમની છેલ્લી મૂક ફિલ્મ સેતુબંધન અને છેલ્લી ફિલ્મ ગંગાવતરણ હતી.
ભારતીય સિનેમામાં દાદા સાહેબના ઈતિહાસિક યોગદાનને લઈને 1969થી ભારત સરકારે તેમના સમ્માનમાં ‘દાદા સાહેબ ફાળકે’ એવોર્ડની શરૂઆત કરી હતી.તે ભારતીય સિનેમાનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ છે. આ એવોર્ડ મેળવનાર સૌપ્રથમ દેવિકા રાની ચૌધરી હતા.
ભારતીય સિનેમાના પિતામહ દાદાસાહેબ ફાળકેએ 1944 માં આજનાં દિવસે નાસિક ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.
