અંજારમાં વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો, રૂ.1 લાખનો મુદ્દામાલ જપ્ત
Live TV
-
પૂર્વ કચ્છના અંજાર શહેરમાં પ્રોહિબિશનના કાયદાનો ભંગ કરતા તત્વો સામે પોલીસે વધુ એક કડક કાર્યવાહી હાથ ધરી છે. અંજાર ટાઉન વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડતા સ્થાનિક પોલીસ તંત્રએ દારૂના ગેરકાયદેસર વેચાણ અને સંગ્રહ કરતા તત્વોમાં ચકચાર મચાવી દીધી છે. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ, ખાસ કરીને પ્રોહિબિશનના ગુનાઓ સામે કડક વલણ અપનાવવા સૂચનાઓ આપવામાં આવી હતી.
આ સૂચનાઓના અનુસંધાને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એચ.એ. જાડેજા અને તેમની ટીમ સતત વોચ રાખી રહી હતી. પોલીસ સ્ટાફ અને ખાનગી બાતમીદારો મારફતે મળતી માહિતીના આધારે વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી હતી. તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે નવાનગર વિસ્તારમાં મેલડી માતાના મંદિર પાસે આવેલા પ્લોટમાં શૈલેષ રઘુરામ મઢવી નામનો વ્યક્તિ વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે.
બાતમીને આધારે પોલીસે તાત્કાલિક રેઇડ યોજી સ્થળ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો સહિત કુલ રૂ.1,09,326નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જેમાં 8 PM વ્હિસ્કીની 180 મી.લી.ની 288 બોટલો, ગ્રીન લેબલ વ્હિસ્કીની 750 મી.લી.ની બોટલો, ગ્રીન લેબલની 180 મી.લી.ની બોટલો, વાઈટ લેસ વોડકા તથા ઓરેન્જ હિલ વોડકાની બોટલોનો સમાવેશ થાય છે.
આ મામલે અંજાર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપી શૈલેષ રઘુરામ મઢવી, રહે. નવાનગર અંજારને ઝડપી વધુ પૂછપરછ શરૂ કરી છે. સમગ્ર કામગીરી પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.જી. વાળા સહિત અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
