અડાલજ ખાતે મહેસૂલ વિભાગની ત્રિ-દિવસીય ચિંતન શિબિર સંપન્ન
Live TV
-
ગાંધીનગર: અડાલજ સ્થિત ત્રિ-મંદિર ખાતે આયોજિત મહેસૂલ વિભાગની ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સમાપન સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે તેમણે મહેસૂલ વિભાગની છેલ્લા પાંચ મહિનાની કામગીરીને બિરદાવતા વહીવટમાં વધુ પારદર્શિતા અને ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો હતો.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, કલેક્ટર માત્ર જમીન સુધારણા પૂરતા મર્યાદિત ન રહીને જિલ્લાના સાચા વડા તરીકે જવાબદારી નિભાવે. તેમણે પ્રવાસન, ઉદ્યોગ અને MSME એકમોના વિકાસ માટે કલેક્ટર કચેરીને વધુ સક્રિય થવા સૂચન કર્યું હતું. વહીવટી પરિવર્તનનું ફળ છેવાડાના માનવી સુધી પહોંચવું જોઈએ. સરકારી કચેરીઓના પરિસર અને શૌચાલયો ખાનગી મિલકતો કરતા પણ વધુ સ્વચ્છ રાખવા તેમણે તાકીદ કરી હતી.'પાસા' કે 'તડીપાર' જેવી દરખાસ્તો પર નિર્ણય લેતા પહેલા પોલીસ અધિકારીઓની રજૂઆત સાંભળી અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવા અધિકારીઓને સૂચના આપી હતી. દરેક જિલ્લા માટે અલગ એપને બદલે રાજ્ય સ્તરે એક 'કોમન એપ' બનાવવાનો આગ્રહ રાખવામાં આવ્યો હતો.
અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ મહેસૂલ વિભાગને 'મધર ઓફ ઓલ ડિપાર્ટમેન્ટ્સ' ગણાવતા જણાવ્યું કે, જમીન રેકોર્ડના ડિજિટાઇઝેશન અને બિનખેતી (NA)ની પ્રક્રિયાને વધુ સુગમ બનાવવી એ સરકારનું લક્ષ્ય છે.ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્માએ ૨૫ નવી GIDC માટે જમીન ફાળવણીમાં કલેક્ટરોની સકારાત્મકતા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપે જનસેવા કેન્દ્રો અને ઈ-ધરા કેન્દ્રોની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા અનુરોધ કર્યો હતો.આ સમારોહમાં ગાંધીનગર કલેક્ટર રવિન્દ્ર ખતાલે, મહેસૂલ નિરીક્ષણ કમિશનર રાજેશ માંઝુ સહિત રાજ્યભરના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
