અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે સદોષ માનવ વધનો ગુનો નોંધાયો
Live TV
-
કડી તાલુકાના બોરીસણામાં મેડીકલ ચેકઅપ કેમ્પ યોજીને એસ જી હાઇવે પર આવેલી ખ્યાતી હોસ્પિટલના તબીબોએ 19 દર્દીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર અપાવવાનું કહીને 17 દર્દીઓને એન્જિયોગ્રાફી અને બે દર્દીઓને સ્ટેન્ટ મુકવાના ઓપરેશન કર્યા હતા. જેમાં દર્દીઓના મોત નીપજતા સમગ્ર હોબાળો થયો હતો. આ અનુંસધાનમાં રાજ્યના આરોગ્ય વિભાગે એક વિશેષ કમિટીની રચના કરીને તપાસ કરતા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા. જેમાં માત્ર પીએમજેએવાય હેઠળ આર્થિક લાભ લેવા માટે તમામને કોઇ ખાસ બિમારી ન હોવા છતાંય, ઓપરેશન કરવામાં આવ્યા હતા અને ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી.
ડો.પ્રશાંત વજીરાણી, ડાયરેક્ટર ડો. કાર્તિક પટેલ, ડો. સંજય પોટલિયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત અને સીઇઓ સહિતના લોકો સામે ગુનો નોંધાયો
તપાસ કમિટીના રિપોર્ટ આધારે ગુનો નોંધાયો
સોલા સિવિલના ઇન્ચાર્જ સીડીએમઓ ડો.પ્રકાશ મહેતાએ નોંધાવી ફરિયાદ
આરોપીઓએ એન્જીયોગ્રાફી કે એન્જીયોપ્લાસ્ટી કરવાની જરૂર હોવાનું સ્પષ્ટ મેડિકલ કારણ નહતું છતાંય સર્જરી કરી
ફીઝીકલ ફાઇલમાં રિપોર્ટ અને સીડીમાં વિસંગતતા જણાઇ આવતા કાર્યવાહી
જે ધમનીઓ બ્લોકેજ બતાવી તેવું બ્લોકેજ સીડીમાં જોવા મળ્યું નથી
સીપીઆર સારવારની નોંધના સમયમાં છેકછાક કરી હતી
કાર્ડીયોલોજીસ્ટ હાજર હોવાનો પણ રિપોર્ટમાં નોંધ ન હોવાનું સામે આવ્યું
પીએમજેએવાય યોજનાનો લાભ મેળવવા સ્ટેન્ટ મૂક્યું હોવાથી ગુનો નોંધાયો
આરોપીઓએ અન્ય દર્દીઓના મોત થાય તેવી રીતે ઓપરેશન કરી શારીરીક ઇજા પહોંચાડી હતીઆ મામલે સોલા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ડૉ.પ્રશાંત વજીરાણી (ઓપરેશન કરનાર), ડૉ. કાર્તિક પટેલ(હોસ્પિટલના ડાયરેક્ટર), ડૉ. સંજય પટોલિયા, ચિરાગ રાજપૂત (હોસ્પિટલના CEO) અને રાજશ્રી કોઠારી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
સોલા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. પ્રકાશ મહેતાએ ખ્યાતી હોસ્પિટલ કાંડ મામલે વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે તપાસ કરવા માટે ડૉ. પ્રકાશ મહેતા ઉપરાંત, અન્ય તબીબોની એક ટીમ તૈયાર કરવામાં આવી હતી.
મંગળવારે આ ટીમના સભ્યોએ ખ્યાતી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની ચકાસણી કરવાની સાથે રિપોર્ટ તપાસ્યા હતા. જેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા કે 19 દદીઓ પૈકી કોઇ દર્દીને એન્જિયોપ્લાટી અને એન્જિયોગ્રાફીની જરૂર ન હોવા છતાંય, પીએમજેએવાય દ્વારા ખોટી રીતે આર્થિક લાભ લેવા માટે તમામની સારવાર કરવામાં આવી હતી. જેમાં મરણ ગયેલા દર્દી મહેશ બારોટની રિપોર્ટ તપાસતા જાણવા મળ્યું હતું કે એન્જિયોપ્લાસ્ટી કરવાનું કોઇ કારણ નહોતુ અને ઓપરેશન દરમિયાન કોઇ કાળજી લેવામાં આવી નહોતી. જ્યારે મૃત્યુ પામેલા અન્ય દર્દી નાગરભાઇ સેનમાના રિપોર્ટમાં સીપીઆરની સારવારના ડેટામાં છેડછાડ કરવામાં આવી હતી અને ઓપરેશન સમયે કાર્ડિયોલોજીસ્ટની હાજરી અંગેની નોંધ પણ કરવામાં આવી નહોતી. આમ, બંને કેસમાં યોજના દ્વારા ખોટી રીતે આર્થિક લાભ લેવાનો બદઇરાદો સ્પષ્ટ થતો હતો.
આ અંગે ડૉ.પ્રશાંત વજીરાણી, હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. કાર્તિક પટેલ, ડૉ. સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી અને સીઇઓ વિરૃદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 110, 336(3), 318 અને 61 મુજબ ફરિયાદ નોંધીને વસ્ત્રાપુર પોલીસ કાર્યવાહી શરૂ કરી છે.
ખ્યાતિ કાંડમાં વસ્ત્રાપુર પોલીસ દ્વારા દિવસ દરમિયાન ફરિયાદ દાખલ ન કરાતા કડી પોલીસ મથકે જીરો નંબરથી બંને મૃતકોના પરિવારજનો દ્વારા બે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે કુલ પાંચ સામે ગુનો નોંધ્યો હતો. ખ્યાતી હોસ્પિટલકાંડમાં બે દર્દીઓના મોત થવાના મામલે કડી પોલીસ સ્ટેશનમાં પણ બે ગુના નોંધવામાં આવ્યા હતા. જેમાં મૃતક નાગરભાઇ સેનમાના પુત્ર પ્રવિણભાઇ સેનમાએ નોંધાવેલી ફરિયાદમાં ઉલ્લેખ છે કે તેમના પિતાના સારવાર દરમિયાન યોગ્ય રીતે વેન્ટિલેટર લગાવાયું નહોતુ અને સ્ટાફ પણ હાજર નહોતો. જ્યારે બીજી ફરિયાદ મૃતક મહેશભાઇ બારોટના ભત્રીજા જયરામ બારોટે નોંધાવી છે. જેમાં મહેશભાઇને એન્જિયોપ્લાસ્ટી સમયે શ્વાસ ચડતા મોત થયાનું કારણ અપાયું હતું. આ અંગે ડૉ. પ્રશાંત વજીરાની, કાર્તિક પટેલ, સંજય પટોળિયા, સીઇઓ ચિરાગ રાજપુત, રાજશ્રી કોઠારીને આરોપીઓ તરીકે દર્શાવવામાં આવ્યા છે.
સૂત્રોના અનુસાર, ખ્યાતિ હોસ્પિટલના કાંડ મામલે બે થી ત્રણ ફરિયાદ નોંધવામાં આવી રહી છે. જેમાં દર્દીના સગા તરફથી, આરોગ્ય વિભાગ તરફથી તેમજ પીએમજેએવાય હેઠળ ગેરકાયદેસર પ્રેક્ટિસ અંગેનો ગુનો નોંધવામાં આવશે. જણાવી દઈએ કે, આ અગાઉ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કરાયેલા ખોટા ઓપરેશનનો ભોગ બનેલા બંને મૃતકોના સગાના નિવેદનો નોંધવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેએવાય હેઠળ મેડીકલ કેમ્પમાંથી દર્દીઓને લાવીને ખોટી રીતે નાણાં કમાવવાના ઇરાદેથી સ્ટેન્ટ મુકવાથી માંડીને અન્ય સારવાર કરવામાં આવી હતી. જેમાં બે વ્યક્તિઓના મોત થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જે અંગે વસ્ત્રાપુર પોલીસે હાલ ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.