અમદાવાદની શાળાઓમાં ‘સ્વેપ’ અંતર્ગત મતદાન જાગૃતિનો પ્રયાસ
Live TV
-
અમદાવાદના નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા એક પ્રેરણાદાયી અભિયાન છેડવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી અને નોડલ અધિકારી આર. એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા સંયુક્તપણે 'સ્વેપ' (SVAP) અભિયાનને વેગવંતુ બનાવવામાં આવ્યું છે.
આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર મતદાનમાં શહેરનો એક પણ મતદાર બાકી ન રહી જાય તેવા ઉમદા હેતુ સાથે શહેરની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ એકસૂત્રે આ અભિયાનમાં જોડાયા હતા.
શહેરના સાબરમતી વિસ્તારની આદર્શ વિદ્યાવિહાર અને સેન્ટ એન્સ હાઇસ્કૂલ સહિતની અનેક શાળાઓમાં સર્જનાત્મક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ચિત્રકામ, નિબંધ લેખન અને પોસ્ટર મેકિંગ દ્વારા ‘શિક્ષિત મતદાતા, સચેત મતદાતા’ના સૂત્રને સાર્થક કર્યું હતું.
આ ઉપરાંત, ભવ્ય રેલી અને પદયાત્રા દ્વારા વિદ્યાર્થીઓએ હાથમાં પ્લેકાર્ડ્સ લઈ શેરીએ-શેરીએ ફરી સ્થાનિક રહીશોને લોકશાહીના આ પવિત્ર કાર્યમાં સહભાગી થવા અપીલ કરી હતી. વિધાર્થીઓ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી પણ મતદાનનો પ્રચાર તેજ કરવામાં આવ્યો છે.
આ અભિયાનની સૌથી નોંધપાત્ર બાબત એ રહી કે, દ્વિતીય સત્રાંત કસોટીના અભ્યાસક્રમ કે સમયપત્રકને કોઈ પણ જાતની અડચણ ન પડે તે રીતે તમામ પ્રવૃત્તિઓનું સુચારૂ સંચાલન કરવામાં આવ્યું છે.
અમદાવાદની તમામ શાળાઓમાં આજે એક વિશેષ કાર્યક્રમ અંતર્ગત તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોએ સમૂહમાં મતદાનના શપથ લીધા હતા. સૌએ 100% મતદાન કરવા અને અન્ય નાગરિકોને મતદાન કરવા માટે પ્રેરણા આપવાનો સંકલ્પ કર્યો હતો. આ અભિયાન દ્વારા શિક્ષણ વિભાગે સંદેશ આપ્યો હતો કે શાળા એ માત્ર શિક્ષણનું કેન્દ્ર નથી, પરંતુ સશક્ત રાષ્ટ્ર નિર્માણની પાઠશાળા પણ છે.
