અમદાવાદમાં જગન્નાથજીની 144મી રથયાત્રામાં પહીંદ વિધિ કરતા મુખ્યમંત્રી
Live TV
-
સોનાની સાવરણીથી રથની સફાઈ સેવાની પરંપરા મુખ્યમંત્રીએ નિભાવી હતી. શ્રધ્ધાપૂર્ણ વાતાવરણમાં મુખ્યમંત્રીને સતત પાંચમી વાર પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
કોરોનાની ગાઈડલાઈન સાથે રથયાત્રા આસ્થાપૂર્ણ સંપન્ન થાય તે માટે રાજ્ય સરકારે વિશેષ આયોજન કર્યું છે: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ અષાઢી બીજના પાવન અવસરે 144 મી જગન્નાથ રથયાત્રા ને પ્રસ્થાન કરાવતા પૂર્વે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન વહેલી સવારે મંદિર પરિસરમાં કર્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સતત પાંચમી વાર ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ વિધિમાં ભક્તિભાવ પૂર્વક સહભાગી થયા હતા. મુખ્યમંત્રી વિજયભાઈએ અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રામાં આ વર્ષે પણ ભગવાનના રથની સોનાની સાવરણીથી સેવા સફાઈ કરી પહિંદ વિધિ સંપ્પન કરી હતી. મુખ્યમંત્રીએ અષાઢી બીજે કચ્છી નૂતન વર્ષ અવસરે કચ્છી સમાજના સૌ ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોરોના વાઈરસના સંક્રમણને કારણે આ વર્ષે કોવીડ પ્રોટોકોલ પ્રમાણે રથયાત્રા યોજાઈ છે. ભગવાન જગન્નાથના દર્શન કરીને ગુજરાત રાજ્ય કોરોના મહામારી માંથી બહાર આવનારું દેશનું કોરોના મુક્ત પ્રથમ રાજ્ય બને તેવી પ્રાર્થના કરી છે.
રાજ્યમાં સમગ્ર સ્થિતિ પૂર્વવત બને તેવી ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી છે તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું. આજે અષાઢી બીજ કચ્છી સમાજના લોકોના નવ વર્ષની શરૂઆત પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છી સમાજના લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે વિશેષમાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી વિચાર ના પગલે કચ્છ જિલ્લામાં નર્મદાનું એક મિલિયન એકર ફીટ પાણી મળે તે પ્રમાણેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. નર્મદા ના આ જળ કચ્છ જિલ્લાની સમૃદ્ધિમાં વધારો કરશે તેવો ભાવ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. ભગવાન જગન્નાથ અને સુભદ્રાજી તથા બલભદ્રના રથ શહેરમાં નગરચર્યાએ નીકળ્યા છે પરંતુ નગરજનો ઘરે બેઠા છે દર્શનનો લાભ લે તે જરૂરી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે,ઘરે બેઠા દર્શનનો લહાવો મેળવી શકે તે માટેની તમામ વ્યવસ્થાઓ કરાઈ છે. કોરોના મહામારીમાંથી દેશ અને ગુજરાત જલ્દી મુક્ત થાય અને રાજ્યની પ્રગતિ ઉત્તરોત્તર વધતી રહે તે માટે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે,કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં લોકોની આસ્થા સાથે જોડાયેલુ આ પર્વ શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે રાજ્ય સરકારે વિશેષ આયોજન કરીને આ રથ યાત્રા યોજી છે,જેમા કોરોનાની માર્ગદર્શિકાનું પાલન થાય તેનું પણ ધ્યાન રાખ્યું છે. રથયાત્રાનું પર્વ માત્ર અમદાવાદ જ નહીં પરંતુ આ માટે રાજ્ય સહિત દેશ આખા માટે વિશેષ મહત્વ ધરાવે છે ત્યારે આ રથયાત્રા ભાઈચારા અને એકતાનું પ્રતીક પુરવાર થઇ છે. આ અવસરે અમદાવાદના મેયર કિરીટ પરમાર, ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ જ્હા અને અન્ય આગેવાનો જગન્નાથજીના દર્શન-અર્ચન માટે ઉપસ્થિત રહ્યા હતાં.
