અમદાવાદમાં હર્ડ ઈમ્યુનિટી નથી અસ્તિત્વમાં, સાવચેતી જ એક ઉપાય
Live TV
-
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશ્વનો સૌથી મોટી કોરોનાની હર્ડ ઈમ્યુનિટી મામલે અભ્યાસ કરાયો છે. કોર્પોરેશન દ્વારા 16 જૂનથી 11 જુલાઈ સુધી એટલે કે 27 દિવસના આ અભ્યાસમાં શહેરના સાતેય ઝોનમાંથી એન્ટીબોડી માટે 30 હજાર લોકોના સેમ્પલ રિપોર્ટ લેવાયા હતા.
તેમાંથી માત્ર 17.50ની પોઝીટીવિટી મળી હતી. સામાન્ય રીતે કોઈપણ આવી બિમારીમાં હર્ડ ઈમ્યુનિટી માટે 70 થી 80 ટકા પોઝીટીવિટી હોવાનું જરૂરી હોય છે. તાજેતરમાં સ્પેન, સ્વિત્ઝર્લેન્ડ અને અમેરિકામાં પણ આ અંગેનો અભ્યાસ કરાયો હતો. અને તેમાં પણ સ્પષ્ટ જણાવાયું હતું કે, કોઈપણ દેશમાં કોરોનાની હર્ડ ઇમ્યુનિટી નથી.
અમુક સમાચાર માધ્યમોમાં આઈ.સી.એમ.આરની એક સ્ટડીનો ઉલ્લેખ થયો છે કે, અમદાવાદમાં 49 ટકા પોઝીટીવિટી છે. ત્યારે આ સ્ટડીને રદિયો આપતા એએમસીના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડૉ. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં કોઈ હર્ડ ઇમ્યુનિટી ફેલાઈ નથી.
ICMRના ચેરમેન ડો. ભાર્ગવ બલરામે જણાવ્યું છે કે, ICMRનો કોઈ સ્ટડી રિપોર્ટ નથી થયો. જેમાં 49 ટકા પોઝિટિવિટી હોય. મે મહિનાની શરૂઆતમાં લોકડાઉનમાં ICMRએ કન્ટેનમેન્ટ ઝોનમાંથી 496 વ્યક્તિઓના નમૂના લેવાયા હતા. જે 70 લાખની વસ્તીમાં નહિવત જેવી છે. એટલે કે આવી કોઈપણ રિપોર્ટથી ગેરમાર્ગે દોરાઈને જનતા દ્વારા કોરોનાને ગંભીરતાપૂર્વક ના લેવાનું ખૂબ જ ઘાતક બની શકે.
મહત્વનું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 7 ઝોનમાં 30,054 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 29,800 સીરો સેમ્પલમાંથી 5263 સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા. એટલે 17.61 ટકા પોઝિટિવિટી આવી હતી. અમદાવાદમાં સીરો પોઝિટિવિટી સૌથી વધુ મધ્ય ઝોનમાં 28.43 ટકા, ઉત્તર ઝોનમાં 27.42, પૂર્વ ઝોનમાં 23.22 ટકા, દક્ષિણ ઝોનમાં 16.15, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 13.43 ટકા અને પશ્ચિમ ઝોનમાં 10.05 ટકા અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 6.43 ટકા નોંધાયા હતા.
જો કે વ્યક્તિની ઉંમર પ્રમાણે શૂન્ય પોઝિટીવિટી 15.49 ટકાથી 22.22 ટકા જેટલી નોંધાઈ હતી. જેમાં સૌથી વધુ 90થી 100 વર્ષની ઉંમરના લોકોમાં 22.22 ટકા અને સૌથી ઓછી 20 થી 29 વર્ષના લોકોમાં 15.55 ટકા જણાઈ હતી. AMCના ડેપ્યુટી હેલ્થ ઓફિસરથી લઈ AMC મેટ મેડિકલ કોલેજ, NHL મેડિકલ કોલેજના મળી 10 જેટલા ડોક્ટર તેમજ પ્રોફેસરો દ્વારા આ સર્વે કરાયો હતો.
આમ, હાલ તો કોરોના સામે સાવચેતી રાખવી એ જ એક ઉપાય છે. કોર્પોરેશનએ જણાવ્યું છે કે, કોરોનાની વેક્સિન ન શોધાય ત્યાં સુધી જાહેરમાં માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને જો લક્ષણ જણાય તો ટેસ્ટ કરાવવો જોઈએ. હવાની અવરજવર માટે ઓફિસમાં બારી-બારણાં ખુલ્લા રાખવા અને ગાઈડલાઇન મુજબ નિયમનો પાલન કરવું જોઈએ...
