અમદાવાદ : કલેકટર પ્રવીણા ડી. કે.ની ઉપસ્થિતિમાં સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી કરાઈ
Live TV
-
આપણા દેશની સુરક્ષા અને અખંડીતતા માટે બલિદાન આપનારા અને પોતાનું સર્વસ્વ સમર્પિત કરનારા આપણા શૂરવીર સૈનિકો અને તેઓના પરિવારજનો પ્રત્યે નાગરિકો દ્વારા આત્મીયતા અને સન્માનની લાગણી પ્રદર્શિત કરવા સમગ્ર દેશમાં દર વર્ષે તારીખ 7 મી ડિસેમ્બરના રોજ સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી કરવામાં આવે છે.
આજે અમદાવાદ કલેકટર કચેરી ખાતે કલેકટર પ્રવીણા ડી. કે. ની ઉપસ્થિતિમાં સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે કલેકટરે સૈનિક કલ્યાણ ફંડમાં ફાળો આપી નાગરિકોને ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના અધિકારી અને નિવૃત્ત કર્નલ એ. કે. સિંઘે નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, યુધ્ધ અને આતંકવાદીઓ સાથેની લડાઇમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેશ માટે મહાન કુરબાની આપનાર આપણા શહીદોના કુટુંબીજનો, સૈનિકો અને માજી સૈનિકોના કલ્યાણ માટે, માંદગી અને સંકટના સમયે તેમજ તેમના બાળકોને શિષ્યવૃતિ જેવી નાણાંકીય સહાય આપવા જેવા ઉમદા આશયથી ધ્વજદિનની ઉજવણી પ્રસંગે જાહેર જનતા પાસેથી યથાશક્તિ પ્રમાણે ફાળો એકત્રિત કરવામાં આવે છે.
તેમણે કહ્યું હતું કે, સશસ્ત્ર સેના ધ્વજદિન વર્ષ-૨૦૨૪ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આપણી સશસ્ત્ર સેનાઓ પ્રતિ આપણે આદર રાખી, માન- સન્માન અને ગૌરવની લાગણી પ્રગટ કરી શક્ય એટલી મદદ કરીએ. તેમણે દેશહિતના આ ઉમદા કાર્યમાં વધુને વધુ ફાળો આપવા સૌને અપીલ કરતા કહ્યું કે, આપના દ્વારા એકત્રીત કરવામાં આવેલ ફાળાની રકમ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની કચેરી, ગૌરવ સેનાની કુમાર ભવન, સ્કુમ સ્કૂલની સામે, બોડકદેવ, અમદાવાદ ખાતે રોકડ, ચેક કે ડ્રાફ્ટ દ્વારા જમા કરાવી શકાશે.
