અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રથયાત્રા પૂર્વે ઢાબા પોઈન્ટ્સ પર પેટ્રોલિંગ અને ડ્રોન સર્વેલન્સ
Live TV
-
રથયાત્રા દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ટેક્નોલોજી આધારિત સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવાઈ છે: અમદાવાદ પોલીસ
અમદાવાદમાં આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ એલર્ટ મોડ પર આવી ગઈ છે. રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ અસામાજિક તત્વો પર કડક નજર રાખી શકાય તે માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના વિવિધ “ઢાબા પોઈન્ટ્સ” પર વિશેષ પેટ્રોલિંગ અને ડ્રોન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે.
ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારો, રથયાત્રા રૂટ અને આસપાસના સ્થળોએ ડ્રોન મારફતે સતત નજર રાખવામાં આવી રહી છે. પોલીસ ટીમો દ્વારા મોડીરાત્રે ઢાબા, હોટલ, ગેસ્ટહાઉસ તેમજ જાહેર સ્થળોએ ચેકિંગ હાથ ધરાયું હતું. શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ સાથે વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યું.
અમદાવાદ પોલીસના જણાવ્યા અનુસાર, રથયાત્રા દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ટેક્નોલોજી આધારિત સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવાઈ છે. ડ્રોન સર્વેલન્સથી ભીડની સ્થિતિ, સંવેદનશીલ હલચલ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ પર રિયલ ટાઇમ મોનિટરિંગ શક્ય બનશે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે શહેરમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં રથયાત્રા સંપન્ન થાય તે માટે તમામ સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન કરીને કામગીરી ચાલી રહી છે.
