અમદાવાદ :મતદાર યાદી તથા એન્યુમરેશન ફોર્મ સંદર્ભે BLO ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે
Live TV
-
અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR)ની કામગીરી પ્રગતિમાં છે, ત્યારે શહેર-જિલ્લાના નાગરિકોની સુવિધા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી શનિવાર અને રવિવાર-તા. 22,23 નવેમ્બરના રોજ સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી જિલ્લાનાં તમામ ૫૫૨૪ મતદાન મથકો પર વિશેષ કેમ્પનું પુન: આયોજન કરવામાં આવનાર છે.
આ કેમ્પમાં સંબંધિત મતદાન મથક ખાતેથી એન્યુમરેશન ફોર્મ મેળવી શકાશે તેમજ ભરેલા ફોર્મ પરત આપી શકાશે. વધુમાં, મતદારોને SIR સંદર્ભે કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે મૂંઝવણ માટે BLO માર્ગદર્શન પણ આપશે.ભારતીય ચૂંટણી પંચ દ્વારા તા. 1-1-2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે Special Intensive Revision(SIR) પ્રગતિમાં છે.જે અંતર્ગત, હાલ મતદારોની ગણતરીનો તબક્કો (Enumeration Phase) ચાલી રહ્યો છે, ત્યારે શહેર-જિલ્લાના 21 વિધાનસભા મત વિસ્તારમાંથી એક પણ લાયક મતદારનું નામ મતદારયાદીમાંથી બાકાત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારના માર્ગદર્શનમાં સઘન કામગીરી કરવામાં આવી રહી છે.
આ કામગીરી સમયસર પૂર્ણ થાય તે જરૂરી છે. આ માટે અમદાવાદ શહેર-જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રિડેવલપમેન્ટ, ડિમોલિશન અથવા અન્ય કોઈ કારણસર સ્થળાંતર કરનારા તેમજ એ સિવાયના તમામ મતદારો આ કેમ્પનો લાભ લઈ શકશે.શહેર-જિલ્લાના તમામ મતદારોને વધુમાં વધુ સંખ્યામાં આ કેમ્પનો લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમાર દ્વારા અનુરોધ કરાયો છે.
