અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચનું ‘મિશન સાયબર રક્ષિકા’, 8 આરોપીઓ સકંજામાં
Live TV
-
એક મહિનામાં 9 FIR નોંધાઈ. મહિલાઓની ઓનલાઇન સુરક્ષા માટે અભિયાન હાથ ધરાયુ
અમદાવાદ શહેર પોલીસ દ્વારા “મિશન સાયબર રક્ષિકા – #SecureHerSpace” અભિયાન હેઠળ એક મહિનામાં 9 FIR નોંધવામાં આવી.... આ કેસોમાં એક મહિલા સહિત 8 આરોપીઓ અને 3 બાળ કિશોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ અભિયાન અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલની સૂચના અને માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવ્યું છે. નાયબ પોલીસ કમિશનર ડૉ. રવિના સિન્હા અને મદદનીશ પોલીસ કમિશનર હાર્દિક માકડિયાના માર્ગદર્શન હેઠળ મહિલાઓને સાયબર ગુનાઓથી સુરક્ષિત રાખવા અને ઑનલાઇન હેરાનગતિ, બ્લેકમેઇલિંગ તથા સાયબર શોષણ સામે રક્ષણ આપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઇલ બનાવી અશ્લીલ વીડિયો, ઑડિયો અને લખાણ મોકલી મહિલાઓને હેરાન કરવી, સાયબર સ્ટોકિંગ, સાયબર બુલિંગ અને ઓળખની ચોરી જેવા ગુનાઓ અંગે મળેલી ફરિયાદોના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. સાયબર ક્રાઇમની મહિલા અધિકારીઓ દ્વારા ભોગ બનનાર મહિલાઓનું કાઉન્સેલિંગ કર્યા બાદ તેમની ઓળખ ગુપ્ત રાખીને તાત્કાલિક FIR નોંધવામાં આવી હતી.
પોલીસની અલગ-અલગ ટીમોએ અમદાવાદ શહેર, ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને મહારાષ્ટ્રમાં તપાસ હાથ ધરી આરોપીઓને શોધી કાઢ્યા હતા. આ ઉપરાંત વાંધાજનક પોસ્ટ અને એકાઉન્ટ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી દૂર કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે.
મહિલાઓ માટે સુરક્ષિત અને વિશ્વસનીય ઑનલાઇન વાતાવરણ ઊભું કરવાના હેતુથી શરૂ કરાયેલા આ અભિયાન અંતર્ગત ફરિયાદીની ઓળખ ગુપ્ત રાખીને તાત્કાલિક કાર્યવાહી કરવા અમદાવાદ શહેર પોલીસ કટિબદ્ધ છે.
