Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ RTOમાં 16 હાઇ-ટેક કેમેરા સાથે AI ક્રાંતિ

Live TV

X
  • માર્ગ પરથી પસાર થતી વખતે અચાનક સામે આવી ગયેલા અનિયંત્રિત વાહનને જોઈને સામાન્ય નાગરિકના મનમાં હંમેશાં પ્રશ્ન ઊઠતો હોય છે કે આવા વાહનચાલકને લાઇસન્સ કેવી રીતે મળ્યું હશે? સામાન્ય નાગરિકની આ વર્ષો જૂની ચિંતાને દૂર કરવા અને રાજ્યના માર્ગોને સુરક્ષિત બનાવવાના ઉદ્દેશ સાથે ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO), અમદાવાદ ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સજ્જ ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ સિસ્ટમ (ADTS) અને અત્યાધુનિક નાગરિક સુવિધાઓ કાર્યરત કરવામાં આવી છે. ડ્રાઇવિંગ લાઇસન્સ એ માત્ર એક ઓળખપત્ર નથી, પરંતુ તે રસ્તા પર ચાલતા પ્રત્યેક નાગરિકના અમૂલ્ય જીવનની સુરક્ષા અને સલામતીની ખાતરી છે.

    કેન્દ્ર સરકારની માન્યતા પ્રાપ્ત સ્વાયત્ત સંસ્થા સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રોડ ટ્રાન્સપોર્ટ (CIRT)ના ટેકનિકલ સહયોગથી નિર્મિત આ અત્યાધુનિક ટ્રેકમાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર બન્ને માટે 16 હાઇ-રિઝોલ્યુશન AI કેમેરા સતત કાર્યરત રહે છે. માનવીય હસ્તક્ષેપ સંપૂર્ણપણે શૂન્ય હોવાથી સમગ્ર મૂલ્યાંકન પ્રક્રિયા લાગવગ કે ઓળખાણથી મુક્ત અને સંપૂર્ણ પારદર્શક બની છે.

    ઉમેદવારે કરેલી નાની ભૂલ પણ કમ્પ્યૂટર વિઝન આધારિત AI સિસ્ટમ તુરંત પકડી લે છે અને તે મુજબ આપોઆપ સચોટ પરિણામ તૈયાર થાય છે. કોઈ પણ અરજદાર ટેસ્ટ આપવા આવે ત્યારે તેને RFID (Radio Frequency Identification) ટેગ ફાળવવામાં આવે છે અને ઓછામાં ઓછા 10 મિનિટના વિડિયો ઓરિએન્ટેશન બાદ જ ટ્રેક એક્સેસ મળે છે, જેથી ઉમેદવાર નિયમોથી સુપેરે માહિતગાર થઈ શકે.

    ડેટાના ઊંડાણપૂર્વકના વિશ્લેષણથી જણાય છે કે આ કસોટી કોઈ અગ્નિપરીક્ષા નથી, પરંતુ સલામત ડ્રાઇવિંગ માટેનો અનિવાર્ય માપદંડ છે. ફોર-વ્હીલર ટેસ્ટમાં રિવર્સ 'S', ઇંગ્લિશ '8', પેરેલલ પાર્કિંગ અને ગ્રેડિયન્ટ (ઢાળ) જેવા ચાર તબક્કા રાખવામાં આવ્યા છે.

    મોટાભાગની નિષ્ફળતા ટેકનિકલ મુશ્કેલીને કારણે નહીં, પરંતુ ઉતાવળ અને ધીરજના અભાવે જોવા મળે છે. સામાન્ય રીતે રિવર્સ 'S' અને '8' આકારના ટ્રેક પર બે વખત પીળી પટ્ટી સ્પર્શવાની છૂટ અપાય છે, જ્યારે પેરેલલ પાર્કિંગમાં કોઈ છૂટછાટ અપાતી નથી. પેરેલલ પાર્કિંગમાં વાહન 85 ટકા બોક્સમાં આવી જતાં જ સ્ક્રીન પર આગળ વધવાનો સંદેશ દેખાય છે, ત્યારબાદ વાહન બહાર કાઢતી વખતે પીળી પટ્ટી ન દબાય તેટલી કાળજી રાખવામાં આવે તો પ્રથમ પ્રયાસે જ ઉત્તીર્ણ થવું અત્યંત સહજ છે.

    'ડિજિટલ ગવર્નન્સ' અને 'ઈઝ ઓફ લિવિંગ'ના મંત્રને સાકાર કરતાં અમદાવાદ RTO ખાતે નાગરિક સેવાઓનું પણ સંપૂર્ણ કાયાકલ્પ કરાયું છે. વાહન અને સારથિ પોર્ટલ મારફતે કચેરીની 80 ટકા જેટલી સેવાઓ સંપૂર્ણપણે ફેસલેસ અને ઓનલાઇન ઉપલબ્ધ બનાવી દેવામાં આવી છે. આ ઉપરાંત, સળંગ એક જ હરોળમાં બધી જ સેવાની બારીઓની વ્યવસ્થા કરવામાં આવતાં અરજદારોનો વેઇટિંગ સમય ઘટીને માત્ર 15થી 20 મિનિટ થઈ ગયો છે.

    આ વ્યવસ્થા અંગે અમદાવાદના પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી શ્રી બાલમુકુન્દ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે, "ડ્રાઇવિંગ લાઇસન્સ એ કોઈ લ્હાણી નથી, પરંતુ માર્ગ પર ચાલતા પ્રત્યેક નાગરિકની સુરક્ષાની ગેરંટી છે. અમારો સ્પષ્ટ અભિગમ છે કે માત્ર યોગ્ય, પ્રશિક્ષિત અને શિસ્તબદ્ધ વાહનચાલકને જ લાઇસન્સ મળે. AI આધારિત પારદર્શક સિસ્ટમથી ગુજરાતનો ચાલક વૈશ્વિક સ્તરે નિર્ભયતાથી અને સક્ષમતાપૂર્વક વાહન ચલાવી શકશે."

    ટેકનોલોજી અને પારદર્શિતાના આ સુભગ સમન્વયથી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીની કાર્યપ્રણાલીમાં એક નવો આયામ ઉમેરાયો છે. વહીવટી પ્રક્રિયાઓને ઝડપી, સરળ અને માનવીય ભૂલો કે હસ્તક્ષેપથી મુક્ત બનાવીને નાગરિકોનો તંત્ર પ્રત્યેનો વિશ્વાસ વધુ દૃઢ બન્યો છે.

    વાહનચાલકોમાં નિયમપાલન અને શિસ્તબદ્ધ ડ્રાઇવિંગના સંસ્કારોનું સિંચન કરી, સલામત માર્ગ સંસ્કૃતિનું નિર્માણ કરવાનો આ પ્રયાસ ગુજરાતને સુરક્ષિત યાતાયાત ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર બનાવશે. આ સમગ્ર આધુનિકીકરણ માત્ર વહીવટી સુધારો નથી, પરંતુ રાજ્યમાં માર્ગ અકસ્માતો ઘટાડી નાગરિકોના અમૂલ્ય જીવનની રક્ષા કરવા માટે સમર્પિત સુશાસનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-08-2026 Max Temp : °C Min Temp : °C
apply