અણીદ્રા ગામે ગેરકાયદેસર ડીઝલ વેચાણ ઝડપાયું
Live TV
-
સુરેન્દ્રનગર જિલ્લામાં કલેક્ટર જી.એચ.સોલંકીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જર અને તેમની ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન વઢવાણ તાલુકાના અણીદ્રા ગામે આવેલા 'સત્યમ પેટ્રોલીયમ' (BPCL) ખાતેથી એક ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપાઈ હતી. તપાસ દરમિયાન પેટ્રોલ પંપ પર એક મોબાઈલ બ્રાઉઝર મળી આવ્યું હતું, જેનો ઉપયોગ નિયમોનું ઉલ્લંઘન કરીને આજુબાજુના ગામડાઓમાં ડીઝલ વેચવા માટે કરવામાં આવતો હતો.
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આ મોબાઈલ બ્રાઉઝર ડિસ્પેન્સિંગ યુનિટ માટે સંબંધિત તંત્ર પાસેથી કોઈ પણ પ્રકારના પરવાના, PESO લાઇસન્સ, સ્ટેમ્પિંગ કે કેલિબ્રેશન મેળવવામાં આવ્યા ન હતા. કોઈપણ માન્ય મંજૂરી વિના ગેરકાયદેસર રીતે ડીઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું માલૂમ પડતાં પુરવઠા ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની તપાસ દરમિયાન મીની બ્રાઉઝર તથા તેની સાથે જોડાયેલ ડિસ્પેન્સિંગ યુનિટની અંદાજિત કિંમત રૂ. 12,00,000/- તથા તેમાં રહેલ પેટ્રોલિયમ પદાર્થ એવા અંદાજે 900 લીટર ડીઝલની કિંમત રૂ. 88,920/- મળી કુલ રૂ. 12,88,920/-નો મુદ્દામાલ પુરવઠા વિભાગની ટીમ દ્વારા સીઝ કરવામાં આવ્યો છે.
જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે પેટ્રોલિયમ પદાર્થોના વેચાણ તથા સંગ્રહ સામે નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પેટ્રોલિયમ પદાર્થોના વેચાણમાં જરૂરી પરવાના, લાઇસન્સ તથા માપ-તોલ સંબંધિત મંજૂરીઓનું પાલન થાય તે માટે તંત્ર દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
