Skip to main content
Settings Settings for Dark

આંગણવાડીના બાળકોના 'હૉટ કુકડ મીલ'ની ખરીદીના દરમાં 67%નો વધારો

Live TV

X
  • ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આંગણવાડીના બાળકોના 'હૉટ કુકડ મીલ'ની ખરીદીના દરમાં 67%નો વધારો

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે રાજ્યની આંગણવાડીઓમાં નાના બાળકોને અપાતા ગરમ અને પૌષ્ટિક ભોજનની વ્યવસ્થાને વધુ મજબૂત અને ગુણવત્તાસભર બનાવવા માટે એક મહત્વપૂર્ણ અને લોકકલ્યાણકારી નિર્ણય લીધો છે.

    સંકલિત બાળ વિકાસ યોજનાની પૂરક પોષણ યોજના હેઠળ આંગણવાડી કાર્યકરોને સ્થાનિક ખરીદી માટે મળતા નાણાકીય દરમાં પૂરા 67 ટકાનો મોટો વધારો કરવામાં આવ્યો છે. આ દર અત્યાર સુધી પ્રતિ લાભાર્થી પ્રતિદિન રૂ. 5.10નો હતો કે જે હવે વધારીને રૂ. 8.50 કરવામાં આવ્યો છે. એટલે કે સ્થાનિક ખરીદીના દરમાં પ્રતિ બાળક પ્રતિદિન રૂ. 3.40નો વધારો થયો છે. આ નિર્ણયથી રાજ્યની 53,065 આંગણવાડીઓમાં ભણતા 3થી 6 વર્ષના લગભગ 16.17 લાખથી વધુ બાળકોને વધુ પૌષ્ટિક આહાર મળશે.

    વધારાનો સંપૂર્ણ નાણાકીય બોજ રાજ્ય સરકાર ઉઠાવશે

    આ નિર્ણયનું સૌથી મોટું પાસું એ છે કે આ વધારાનો આર્થિક ભાર કેન્દ્ર સરકાર પર નહીં, પરંતુ રાજ્ય સરકાર પોતાના શિરે લેશે. અગાઉનો પ્રતિદિન રૂ. 5.10નો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે 50:50 ના ધોરણે યથાવત રહેશે, જ્યારે નવો વધારો થયેલ પ્રતિદિન રૂ. 3.40 નો 100% ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે, જે વાર્ષિક અંદાજે રૂ. 80 કરોડ જેટલો થવા જાય છે.

    માત્ર દર જ નહીં, મેનુમાં પણ પોષણનો ‘પાવર પૅક’

    મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલા નવા સાપ્તાહિક મેનુમાં બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને પૌષ્ટિક વાનગીઓનો સમાવેશ કરાયો છે. આંગણવાડીઓમાં બાળકોને સવારે 11 વાગ્યે ગરમ નાસ્તો અને બપોરે 1:30 વાગ્યે ગરમ ભોજન આપવામાં આવશે.

    મેનુમાં શામેલ વાનગીઓ:

    મગ કઠોળ (બાફેલા કે ફણગાવેલા), તુવેરદાળનું લચકો, વેજિટેબલ પુલાવ, લીલા શાકભાજીના મુઠિયા, મસાલા ચણા, મગ-ભાત, શીરો, સુખડી, દુધીના ઢેબરા, ગોળ પુડલા, ભાખરી, ઢોકળા અને ઇડલી. ઠરાવ મુજબ પ્રતિદિન રૂ. 8.50 ના ફંડમાંથી તુવેર દાળ (રૂ. 1.24), આખા ચણા (રૂ. 0.85), આખા મગ (રૂ. 1.30), ગોળ (રૂ. 0.525), મોસમી લીલા શાકભાજી (રૂ. 0.83), ફળો જેમ કે કેળાં (રૂ. 2.00), સીંગદાણા/તલ (રૂ. 0.65), મસાલા (રૂ. 0.60) અને સ્થાનિક પરિવહન (રૂ. 0.50) ની ચોક્કસ નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે.

    ગુજરાત સરકારના આ પગલાથી રાજ્યની આંગણવાડીઓના ભૂલકાંઓને હવે વધુ પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને વૈવિધ્યસભર ભોજન મળી રહેશે, જેનાથી બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ સ્તરમાં મોટો સુધારો થશે.                                                                              

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-10-2026 Max Temp : °C Min Temp : °C
apply