નર્મદાના અંજનાબેન વસાવા બન્યા આત્મનિર્ભર
Live TV
-
નર્મદાના અંજનાબેન વસાવા બન્યા આત્મનિર્ભર: પરંપરાગત અને પ્રાકૃતિક ખેતીથી અન્ય મહિલાઓ માટે બન્યા પ્રેરણારૂપ
આધુનિકતાના આ યુગમાં જ્યાં અનેક ખેડૂતો રાસાયણિક ખેતી તરફ વળ્યા છે, ત્યારે નર્મદા જિલ્લાના ચીકદા તાલુકાના પાટડી ગામનાં અંજનાબેન ફતેસીંગભાઈ વસાવાએ પરંપરાગત ખેતી, પ્રાકૃતિક ખેતી અને સ્વદેશી ઉત્પાદનોના વેચાણ દ્વારા માત્ર પોતાના પરિવારને આર્થિક મજબૂતાઈ આપી નથી, પરંતુ અન્ય ગ્રામ્ય મહિલાઓ માટે પણ આર્થિક સશક્તિકરણનો નવો રાહ ચીંધ્યો છે.
સ્વસહાય જૂથ અને સરકારી સહાયથી શરૂ કરી પ્રગતિની સફર:
અંજનાબેન 'પ્રગતિ સ્વસહાય જૂથ' સાથે જોડાયેલાં છે. મિશન મંગલમ યોજના અંતર્ગત સ્વસહાય જૂથના માધ્યમથી તેમને રૂ. 2.5 લાખનું ધિરાણ પ્રાપ્ત થયું હતું. આ આર્થિક સહયોગથી તેઓ પોતાની પ્રવૃત્તિઓને વધુ વેગ આપી શક્યાં છે. આજે તેમની સાથે અન્ય 10 બહેનો પણ જોડાઈને આર્થિક સશક્તિકરણ તરફ આગળ વધી રહી છે.સ્વદેશી પાક અને પ્રાકૃતિક ખેતીથી મેળવી આગવી ઓળખ:
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેડિયાપાડા દ્વારા ઉપલબ્ધ કરાયેલા બિયારણોની મદદથી અંજનાબેન મોર, લાલ ચોખા, દેશી જુવાર, દેવલી કોલમ જાતના ડાંગર, નાગલી અને દેશી મગફળી જેવા પરંપરાગત સ્વદેશી પાકનું ઉત્પાદન કરે છે. જમીનની ફળદ્રુપતા જાળવવા અને પરિવારને પૌષ્ટિક આહાર પૂરો પાડવા તેઓ નીમાસ્ત્ર, બીજામૃત જેવી પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે.સ્વદેશી મેળા અને કાઇટ ફેસ્ટિવલ દ્વારા વ્યાપક બજાર:
મિશન મંગલમના સહયોગથી અંજનાબેનને સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદ અને સુરત ખાતે યોજાતા સ્વદેશી મેળા તેમજ કાઇટ ફેસ્ટિવલ જેવા મહોત્સવોમાં વિનામૂલ્યે સ્ટોલની સુવિધા મળે છે. તેમના દ્વારા ઉત્પાદિત 'લાલ ચોખા'ની વિશેષ માગ રહે છે, જે તેઓ પ્રતિ કિલો રૂ. 150 ના ભાવે વેચે છે. ગ્રાહકોની માગ અનુસાર તેઓ ઓર્ડર મેળવીને પાર્સલ દ્વારા પણ ઉત્પાદનો ઘરે-ઘરે પહોંચાડે છે.12 ગામોમાં પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપતી અગ્રેસર મહિલા:
ખેતી અને વેચાણ ઉપરાંત અંજનાબેન 'આત્મા પ્રોજેક્ટ' હેઠળ ક્લસ્ટર રિસોર્સ પર્સન (CRP) તરીકે 12 ગામોમાં સેવા આપી રહ્યા છે. તેઓ અન્ય ખેડૂતો અને મહિલાઓને પ્રાકૃતિક ખેતીની તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડે છે. વધુમાં, નર્મદા જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સહયોગથી ચીકદા તાલુકામાં કાર્યરત પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનું સંચાલન પણ તેઓ ખુદ કુશળતાપૂર્વક સંભાળી રહ્યાં છે.અંજનાબેનની આ સફર સાબિત કરે છે કે દ્રઢ નિશ્ચય, સરકારી યોજનાઓનો યોગ્ય સહયોગ અને પ્રાકૃતિક ખેતી પ્રત્યેની નિષ્ઠા વ્યક્તિ તેમજ સમગ્ર ગ્રામીણ સમાજનું ચિત્ર બદલી શકે છે.
