'આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ'ની ઉજવણીમાં 15 જેટલા દિવ્યાંગજનોને ઉપયોગી સાધનોનું વિતરણ કરાયું
Live TV
-
ગાંધીનગર ખાતે 'આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ'ની રાજ્યકક્ષાની ઉજવણી કરાઈ. રાજ્યના મહિલા તેમજ બાળ વિકાસમંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં 15 જેટલા દિવ્યાંગજનોને ઉપયોગી સાધનોનું વિતરણ કરાયું. જેમાં હેયરીંગ એઇડ, TLM કીટ, બ્રેઈલ કીટ, ફોલ્ડિંગ વ્હીલચેર, મોટરાઈઝડ ટ્રાઇસિકલ જેવા રોજિંદા જીવનમાં ઉપયોગી થતા સાધનો આપવામાં આવ્યા હતા. મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓએ નૃત્ય, ગાયન જેવા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરી બધાને અભિભૂત કર્યા હતા.
કાર્યક્રમમાં મંત્રી ભાનુબેન બાબરીયાએ સંબોધન કરતા જણાવ્યું કે, હિંમત અને જુસ્સા સાથે સ્વમાનભેર જીવન જીવી રહેલા સૌ દિવ્યાંગજનો પોતાના પરિવારનો જ એક હિસ્સો ગણાવી છે, આજનો દિવસ લાગણી અને કરૂણાનો દિવસ છે. દિવ્યાંગજનોની પરિસ્થિતિને રાજ્ય સરકાર સમજી રહી છે. સંવેદનશીલ રાજ્ય સરકાર હરહંમેશ તેમના અને તેમના પરિવારના પડખે છે. દિવ્યાંગતાની સ્થિતિનો અનુભવ માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર પરિવાર કરતો હોય છે. દિવ્યાંગ નાગરિકોના ગૌરવ, અધિકારો અને સુખાકારી માટે સમાજનું સમર્થન મળે તે હેતુથી આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દિવ્યાંગો સન્માનભેર જીવન જીવી શકે, તેઓ સ્વમેળે સશક્ત થાય, રોજગારી મેળવે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉત્તરોત્તર નવી યોજનાઓ લાવી તેમને વધુ સશક્ત બનાવવામાં આવે છે.
કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમારે સમાજ સુરક્ષા પ્રભાગની ભૂમિકા રજૂ કરતાં જણાવ્યું હતું કે, દિવ્યાંગ વ્યક્તિઓનાં વિકાસ, શિક્ષણ અને તાલીમ પાછળ સમાજ સુરક્ષા પ્રભાગ દર વર્ષે અંદાજિત રૂ.240 કરોડ જેટલી માતબર રકમ ખર્ચે છે. આ સાથે પ્રાથમિક કક્ષાએથી લઇને ઉચ્ચ અને સર્વોચ્ચ કક્ષાનાં શિક્ષણ માટે દિવ્યાંગ વ્યક્તિઓને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે. દિવ્યાંગોના અધિકારોના રક્ષણ અને અધિનિયમની અમલવારી માટે રાજ્યમાં દિવ્યાંગ વ્યક્તિઓના કમિશનરની સ્વતંત્ર કચેરી કાર્યરત છે. આ કચેરી દિવ્યાંગજન અધિકાર અધિનિયમના ઉત્કૃષ્ટ અમલીકરણ માટે કામગીરી કરી રહી છે. જેના માટે તેમને રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
