ગુજરાતમાં 20 લાખથી વધુ ખેડૂતો નેનો ફર્ટિલાઈઝરનો ઉપયોગ કરી રહ્યા છે
Live TV
-
ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO)ના વૈજ્ઞાનિકોએ સ્વદેશી ટેક્નોલૉજી દ્વારા નેનો યુરિયા (પ્રવાહી) અને હવે નેનો યુરિયા પ્લસ, નેનો DAP(પ્રવાહી) વિકસિત કર્યું છે. સરકાર ખેડૂતોને પરંપરાગત યુરિયા અને DAPની જગ્યાએ નેનો યુરિયા પ્લસ અને નેનો DAPનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.
2022માં ગાંધીનગરના કલોલ નજીક IFFCO ખાતે બનેલા વિશ્વના પ્રથમ નેનો યુરિયા (પ્રવાહી) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા 175 કિલોલિટર પ્રતિ દિવસની છે. IFFCOએ આ સ્વદેશી નેનો ખાતરની પેટન્ટ પણ મેળવી લીધી છે. એટલું જ નહીં, IFFCO હવે શ્રીલંકા, નેપાળ, ભૂટાન અને બ્રાઝિલ જેવા દેશોમાં નેનો યુરિયાની નિકાસ કરી રહ્યું છે. તો U.S.Aમાં નેનો ફર્ટિલાઈઝરનું નિદર્શન પણ કરી રહ્યું છે.
નેનો યુરિયા પ્લસ અને નેનો ડી.એ.પી. (પ્રવાહી)નો ઉપયોગ પાકમાં નાઇટ્રોજન અને ફૉસ્ફરસની ઉણપને પૂર્ણ કરવા માટે થાય છે. અત્યારસુધી, સફેદ દાણાદાર ઘન પદાર્થમાં ઉપલબ્ધ યુરિયા અને DAPનો ઉપયોગ થતો હતો. આને લીધે છોડને અડધાથી પણ ઓછો ભાગ મળતો હતો, બાકીનો ભાગ જમીન અને હવામાં ચાલ્યો જતો હતો. બીજી તરફ નેનો ફર્ટિલાઈઝર (પ્રવાહી)ના કણ એટલાં નાના હોય છે કે તે પાંદડાથી સીધા છોડમાં પ્રવેશ કરે છે. નેનો યુરિયા અને નેનો DAPની 500 મિલીલિટરની એક બોટલથી એક એકરના ખેતરમાં એક વખત છંટકાવ કરી શકાય છે.
ગુજરાત નવી પહેલ અને નવી ટેક્નોલૉજીને અપનાવવા બાબતે અગ્રેસર રાજ્ય છે. અહીંના ખેડૂતોએ ટપક સિંચાઇ, મલ્ચિંગ અને જંતુનાશકોના છંટકાવ માટે ડ્રોન જેવી આધુનિક ટેક્નોલૉજીને મોકળા મને અપનાવી છે. આ જ સંદર્ભમાં હવે નેનો યુરિયા (પ્રવાહી) પણ ખેડૂતોમાં ઝડપથી લોકપ્રિય બની રહ્યું છે. આજે ગુજરાતમાં લગભગ 20 લાખથી વધુ ખેડૂતો નેનો યુરિયા (પ્રવાહી)નો ઉપયોગ કરી રહ્યા છે. પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગના વર્તમાન યુગમાં નેનો યુરિયા (પ્રવાહી) અને નેનો DAP(પ્રવાહી) પર્યાવરણને અનુકૂળ ખેતી માટે ઉપયોગી છે. નિષ્ણાતોના મતે તેના ઉપયોગથી પર્યાવરણ, પાણી અને જમીનનું પ્રદૂષણ નહીં થાય. આનાથી ભૂગર્ભ જળ અને હવાની ગુણવત્તા સુધરે છે. એટલું જ નહીં, તેની કોઈ આડ અસર ન હોવાથી તે જમીનમાં પોષક તત્વોને નષ્ટ થતા બચાવવામાં મદદરૂપ છે.
જો વેચાણના આંકડાઓ પર નજર કરીએ, તો ગુજરાતમાં વર્ષ 2021-22માં નેનો યુરિયાની 8,75,000 બોટલના વેચાણની સરખામણીએ 2022-23માં 17,65,204 બોટલનું વેચાણ થયું હતું. વર્ષ 2023-24માં આ આંકડો વધીને 26,03,637 બોટલ સુધી પહોંચી ગયો છે.
યુરિયા અને ડી.એ.પીની સ્થાનિક માંગને પહોંચી વળવા માટે સરકારને દર વર્ષે લાખો ટન યુરિયા અને DAPની આયાત કરવી પડે છે. ખેડૂતોને સસ્તા દરે યુરિયા અને DAP ઉપલબ્ધ કરાવવા માટે સરકાર મોટી સબસિડી આપે છે. નેનો યુરિયા પ્લસ અને નેનો DAPના ઉપયોગથી સરકારને મોટી રકમની બચત થશે, જે સબસિડીના રૂપમાં જાય છે. સરકારનો ઉદ્દેશ પરંપરાગત યુરિયાની આયાત બંધ કરીને ભારતને આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાનો છે. નેનો ફર્ટિલાઈઝર આ દિશામાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે.
