આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતા IPhO માટેની ટીમમાં અમદાવાદના સ્વરિત જોષીનો સમાવેશ
Live TV
-
ભારતની પાંચ સભ્યોની ટીમમાં અમદાવાદના વિદ્યાર્થી સ્વરિત જોષીનો સમાવેશ થયો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતા ઇન્ટરનેશનલ ફિઝિક્સ ઓલમ્પિયાડ (IPhO) 2026 માટે ભારતની પાંચ સભ્યોની ટીમમાં અમદાવાદના વિદ્યાર્થી સ્વરિત જોષીનો સમાવેશ થયો છે. 56મા IPhO 4 જુલાઈથી 12 જુલાઈ 2026 દરમિયાન કોલંબિયાના શહેર બુકરા માંગા ખાતે યોજાશે, જેમાં વિશ્વભરના પ્રતિભાશાળી યુવા વૈજ્ઞાનિકો ભાગ લેશે. ભારતીય ટીમમાં કનિષ્ક જૈન, રિદ્ધેશ બેન્ડાલે, રિશિત ગર્ગ અને સ્વરિત જોષી સહિત કુલ પાંચ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. આ તમામ વિદ્યાર્થીઓ નિયમિત શૈક્ષણિક પદ્ધતિમાં અભ્યાસ કરતા હોવા છતાં તેમણે પોતાની પ્રતિભાથી આ ઉપલબ્ધિ હાંસલ કરી છે.
સ્વરિત હાલમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ ધોરણ 12માં છે. સ્વરિત જોષીનો શૈક્ષણિક રેકોર્ડ પણ ખૂબ જ પ્રભાવશાળી રહ્યો છે. તેણે સતત ત્રણ વર્ષ સુધી NMTCની પ્રિલિમ્સ પાસ કરી છે. વર્ષ 2023માં ઉત્તમ પ્રદર્શન કરીને તેણે નેશનલ લેવલ કેમ્પમાં સ્થાન મેળવ્યું હતું. ઉપરાંત, ધોરણ 10માં તેણે NSEA પણ ક્વોલિફાય કરી હતી. સ્વરિતની આ સિદ્ધિ તેની વૈજ્ઞાનિક સમજ, મહેનત અને બહુમુખી પ્રતિભાનું ઉત્તમ ઉદાહરણ છે, જે ભવિષ્યમાં દેશ માટે ગૌરવ વધારશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
IPhO માટેની પસંદગી પ્રક્રિયા ચાર તબક્કામાં પૂર્ણ થાય છે. પ્રથમ તબક્કા તરીકે NSEP યોજાય છે, જેમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આગળ વધે છે. ત્યારબાદ બીજા તબક્કા તરીકે INPhO યોજાય છે, જેમાંથી શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ ત્રીજા તબક્કા (OCSC) માટે પસંદ થાય છે. અંતે અહીંથી પાંચ સભ્યોની ભારતીય ટીમ પસંદ કરવામાં આવે છે.
