ગુજરાતના વાડીનાર ખાતે જહાજ સમારકામ સુવિધાને મળી મંજૂરી
Live TV
-
આ પ્રોજેક્ટ કૌશલ્ય વિકાસ માટેની તકો પણ ઊભી કરશે અને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારીનું સર્જન કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ગુજરાતના વાડીનાર ખાતે અત્યાધુનિક જહાજ સમારકામ સુવિધાના વિકાસને મંજૂરી આપી છે. જે રાષ્ટ્રીય શિપ રિપેર ઇકોસિસ્ટમનો એક મોટો વિસ્તાર દર્શાવે છે. આ પ્રોજેક્ટ દીનદયાલ પોર્ટ ઓથોરિટી (DPA) અને કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL) દ્વારા ₹1,570 કરોડના સંયુક્ત રોકાણ સાથે સંયુક્ત રીતે લાગુ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ 650 મીટર લાંબી જેટી, બે મોટા ફ્લોટિંગ ડ્રાય ડોક્સ, વર્કશોપ અને સંબંધિત મરીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે બ્રાઉનફિલ્ડ ફેસિલીટી તરીકે આયોજિત છે. વાડીનારનો કુદરતી ઉંડો ડ્રાફ્ટ, મુખ્ય દરિયાઈ માર્ગો સાથેનું જોડાણ અને મુંદ્રા તેમજ કંડલા જેવા મુખ્ય બંદરો સાથેની તેની નિકટતા તેને સમારકામની કામગીરી માટે, ખાસ કરીને મોટા વ્યાપારી અને વિદેશી ધ્વજવાળા જહાજો માટે એક શ્રેષ્ઠ સ્થાન બનાવે છે.
આ પ્રોજેક્ટ કૌશલ્ય વિકાસ માટેની તકો પણ ઊભી કરશે અને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારીનું સર્જન કરશે, જ્યારે આસપાસના વિસ્તારમાં દરિયાઈ આનુષંગિક સેવાઓ અને MSMEs ના વિકાસને સક્ષમ બનાવશે. વાડીનાર શિપ રિપેર ફેસિલીટી ભારતના જહાજ સમારકામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રહેલી એક મોટી ખામીને સીધી રીતે દૂર કરશે. દેશમાં હાલમાં 230 મીટરથી વધુ લંબાઈ ધરાવતા મોટા જહાજોના સમારકામ માટે પૂરતી સ્થાનિક ક્ષમતા નથી. 300 મીટર સુધીના જહાજોના સમારકામને સક્ષમ કરીને, આ સુવિધા ભારતમાં જ મોટા જહાજોના ઉચ્ચ મૂલ્ય ધરાવતા સમારકામની મંજૂરી આપશે. જેથી વિદેશી શિપયાર્ડ્સ પરની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો થશે અને વિદેશી હૂંડિયામણના આઉટફ્લો (બહાર જતા પ્રવાહ)ને રોકી શકાશે.
ઝડપી ટર્નઅરાઉન્ડ સમય અને પશ્ચિમ કિનારે મજબૂત બનેલી સમારકામ ક્ષમતા ભારતીય બંદરોની એકંદર સ્પર્ધાત્મકતામાં સુધારો કરશે. આ પ્રોજેક્ટથી ટકાઉ રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે, જે જહાજ સમારકામ, લોજિસ્ટિક્સ અને આનુષંગિક ઉદ્યોગોમાં અંદાજે 290 પ્રત્યક્ષ અને આશરે 1,100 પરોક્ષ નોકરીઓનું સર્જન કરશે, જ્યારે વ્યાપક દરિયાઈ ઔદ્યોગિક ઇકોસિસ્ટમને વેગ આપશે. આ પહેલ પ્રાદેશિક આર્થિક વૃદ્ધિમાં ફાળો આપશે અને મેરિટાઇમ ઇન્ડિયા વિઝન 2030 અને મેરિટાઇમ અમૃત કાળ વિઝન 2047 હેઠળ ભારતના લાંબા ગાળાના દરિયાઈ ઉદ્દેશ્યોને ટેકો આપશે.




