આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Live TV
-
હવામાન વિભાગે આગામી 24 કલાક માટે કરેલી વરસાદની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં સોમવારે 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદી માહોલ રહ્યો હતો. સૌથી વધુ જામનગર જિલ્લાના લાલપુરમાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. સુરતના ઓલપાડમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. તાપી જિલ્લાના વાલોદમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસી જતા શહેર પાણી-પાણી થઈ ગયું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર, ડાંગના વઘઈ અને તાપીના વ્યારામાં દોઢ-દોઢ ઈંચ મેઘવર્ષા વરસી હતી. આ ઉપરાંત કચ્છ જિલ્લાના નખત્રાણા, છોટાઉદેપુર જિલ્લાના સંખેડા, વડોદરાના કરજણ, ભરૂચના નેત્રંગ અને પંચમહાલના હાલોલમાં એકથી સવા ઈંચ વરસાદ વરસી ગયો હતો. વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.
આ તરફ હવામાન વિભાગે આગામી 24 કલાક માટે વરસાદની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત માટે ભારેથી અતિ ભારે વરેસાદ જ્યારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
