આજે મહેસુલી તલાટી વર્ગ 3ની પરીક્ષા, 23 જિલ્લામાં કુલ 1384 સેન્ટર પર પરીક્ષાનું આયોજન
Live TV
-
આજે રાજ્યભરમાં યોજાશે મહેસૂલ તલાટી વર્ગ-3ની પ્રાથમિક પરીક્ષા યોજાશે. 2, 389 જગ્યાઓ માટે 23 જિલ્લાઓમાં 1,384 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન. બપોરના 2 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી યોજાશે પરીક્ષા..
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે મહેસૂલી તલાટી વર્ગ-3ની પ્રાથમિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા રાજ્યના 23 જિલ્લામાં કુલ 1384 સેન્ટર પર લેવાશે. 3.99 લાખ ઉમેદવારોએ આજે રાજ્યભરમાંથી આ પરીક્ષા આપશે. ઉમેદવારોને બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ જ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાશે.
બપોરે 2 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી આ પરીક્ષા યોજાશે. જો કે ઉમેદવારોએ પરીક્ષા માટે બપોરે 12 વાગ્યા સુધીમાં પહોંચી જવાનું રહેશે. પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોના કોલ લેટરની ચકાસણી, બાયોમેટ્રિક વેરિફિકેશન જેવી પ્રક્રિયાઓમાં સમય લાગતો હોવાથી ઉમેદવારોને બપોરે 12 વાગ્યા સુધીમાં હાજર થવાનો સમય અપાયો છે. બપોરે 2 વાગ્યા પછી કોઈપણ ઉમેદવારને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. બપોરે 1.45 કલાકે વોર્નિંગ બેલ વાગશે અને OMR શીટનું વિતરણ શરૂ થશે, ત્યારબાદ બરાબર 2 વાગ્યે પરીક્ષા શરૂ થશે.
CCTV કેમેરાથી લાઈવ મોનિટરિંગ
પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે આ વખતે કડક પગલાં લેવામાં આવ્યા છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર CCTV કેમેરાથી લાઈવ મોનિટરિંગ ગાંધીનગરથી કરવામાં આવશે. આ માટેનું રિહર્સલ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યું છે. જિલ્લા શિક્ષણાધિકારીઓ અને કલેક્ટર કચેરીનો સ્ટાફ પણ આ પરીક્ષાને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવા માટે સ્ટેન્ડ-બાય રહેશે.GSRTC પરીક્ષાર્થીઓની સુવિધા માટે દોડાવશે એકસ્ટ્રા બસો
ઉમેદવારોને પરિવહનની મુશ્કેલી ન પડે તે માટે એસ.ટી. નિગમે વધારાની બસો દોડાવવાનો નિર્ણય લીધો છે, જ્યારે અમુક બસોને સ્ટેન્ડ-બાય રાખવામાં આવી છે. ભાવનગર ડેપોમાંથી રાજકોટ માટે 15 અને અમદાવાદ માટે 4 એકસ્ટ્રા ટ્રીપ દોડાવાશે. પાલિતાણા ડેપોમાંથી અમદાવાદ માટે 3, મહુવા ડેપોમાંથી અમદાવાદ માટે 1 અને તળાજા ડેપોમાંથી અમદાવાદ માટે 1 એકસ્ટ્રા બસ દોડાવાશે.
