આણંદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોજિત્રાથી નાગરિકોને રૂ.120 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની આપી ભેટ
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની કર્મભૂમિ અને વિદ્યાપુરુષ ભાઈ કાકાની જન્મભૂમિ એવા સોજીત્રા ખાતેથી રૂ. 90 કરોડના 39 જેટલા વિકાસકામોનું ખાતમુહૂર્ત તથા રૂ.30 કરોડના 13 જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ સહિત જિલ્લાના નાગરિકોને રૂ. 120 કરોડના વિવિધ ૫૨ (બાવન) જેટલા વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી.
મુખ્યમંત્રીએ સરદાર સાહેબ અને વિદ્યાપુરુષ ભાઈકાકાની સ્મરણ વંદના કરતાં જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીએ વિકાસ કેવો હોય, કેટલા સ્કેલનો હોય, કેવા વિઝન સાથેનો હોય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગુજરાતના વિકાસ દ્વારા વિશ્વ સમક્ષ પૂરું પાડ્યું છે. પ્રો - પિપલ ગવર્નન્સની કાર્ય સંસ્કૃતિને વિવિધ વિકાસ કામોથી આપણે સાકાર કરી છે.
વલ્લભવિદ્યાનગરના શિલ્પી સ્વ.ભાઈકાકાના શિક્ષણના પ્રદાનને આગળ ધપાવતાં સોજિત્રામાં રૂ.14.85 કરોડના ખર્ચે નિર્માણ પામેલ શ્રી ભાઈકાકા સરકારી વાણિજ્ય કોલેજના ભવનનું મુખ્ય મંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું હતું.
ગુજરાતમાં શહેરી વિકાસ, જાહેર આંતર માળખાકીય સુવિધાઓ અને આરોગ્ય એમ દરેક ક્ષેત્રે વિકાસ ક્રાંતિ આવી છે, તેમ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, યુવાનોને ઘર આંગણે ઉચ્ચ શિક્ષણ મળી શકે તે માટે ગુજરાતમાં 103 યુનિવર્સિટીઓ અને 2800 કોલેજો દ્વારા ઉચ્ચ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
દેશના અમૃતકાળમાં વિશ્વ સાથે કદમ મિલાવીને વિકસિત ભારત @2047ના નિર્માણમાં સેવારત રહેવાના પીએમના આહવાનને સરકાર, સમાજ અને સૌને સાથે મળી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીએ વય વંદનાના લાભાર્થીઓને આયુષમાન કાર્ડનું વિતરણ કરવા સાથે સોજિત્રાના સપૂત પદ્મભૂષણ અને કાર્ડિયોલોજિસ્ટ ડો.તેજસ પટેલનું સન્માન કર્યું હતું.
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નિર્મળ ગુજરાત હેઠળ ઉમરેઠ તાલુકાના 39 ગામોમાં બાયોગેસ અને ખાતર ઉત્પાદન તથા પશુ છાણના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે માટે આણંદ જિલ્લા પંચાયત અને ભારત બાયોગેસ એનર્જી લી. વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.
સોમનાથ ખાતે યોજાયેલ ચિંતન શિબિરમાં આણંદના કલેકટર પ્રવીણ ચૌધરીને જૂનાગઢ ખાતેના કાર્યકાળ દરમ્યાનની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારી તરીકે મળેલ રૂ. 51 હજારના પ્રોત્સાહક પુરસ્કારની રકમ આંગણવાડીના બાળકોને મુખ્યમંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીના હસ્તે રાજ્ય સરકારની "તેરા તુજ કો અર્પણ" યોજના હેઠળ આણંદ પોલીસ વિભાગ દ્વારા લોકોના ચોરાયેલા અને ખોવાયેલા 31 લાખના મુદ્દામાલ મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ પાવરગ્રીડ કોર્પોરેશન ઇન્ડિયા લિ. દ્વારા નિગમિત સામાજિક જવાબદારી હેઠળ ડોર ટુ ડોર કચરાના એકત્રીકરણ માટે 25 ઈ - રિક્ષાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
