આત્મનિર્ભર ભારતના બેઝ સાથેનું આ વિકાસ કેન્દ્રી બજેટ છે: વિજયભાઇ રૂપાણી
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભારત સરકારના નાણાં મંત્રીએ રજુ કરેલા કેન્દ્રીય બજેટને આવકાર્યુ છે.આ બજેટ અંગેની પ્રતિક્રિયા આપતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, કોરોનાની મહામારીમાં વિશ્વ આખું સ્થગિત થઇ ગયેલું છે. એટલું જ નહિ, ઘણા દેશો આર્થિક મુશ્કેલીનો પણ સામનો કરી રહ્યા છે. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના કુશળ નેતૃત્વ, દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજનમાં ભારતે કોરોના કાળમાં પણ વિકાસ જારી રાખ્યો છે. આજે રજુ થયેલા કેન્દ્રીય બજેટમાં આત્મનિર્ભર ભારતની છબિ ભલિભાંતિ ફલિત થાય તેવું આ બજેટ આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રકચર, સર્વગ્રાહી વિકાસ, ઇનોવેશન અને આર. એન્ડ ડી, મિનિમમ ગર્વમેન્ટ મેકસીમમ ગર્વનન્સના ધ્યેય સાથે વિકાસ કેન્દ્રી બજેટ છે, એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું. વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ખેડૂત, યુવારોજગારી, મહિલા વિકાસ અને MSME નાના-મધ્યમ કદના ઊદ્યોગો માટે આ બજેટમાં વિશેષ ચિંતા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રકચર વૃદ્ધિ માટે, આરોગ્ય સુવિધાના વિકાસ માટે પણ પ્રાવધાન દ્વારા સૌના આરોગ્યની, સામાન્ય માનવીના જીવનની સુખાકારીની કાળજી લેવામાં આવી છે.
આરોગ્ય યોજનાઓ માટે ૬પ હજાર કરોડ રૂપિયાની ફાળવણી સાથે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સ્વાસ્થ્ય કેન્દ્રોના મજબૂતીકરણ, તમામ રાજ્યોના હેલ્થ ડેટા તૈયાર કરવા તેમજ કોરોના જેવી મહામારી, વાઇરસ જન્ય રોગો સામે ભવિષ્યમાં લડવાની તાકાતમાં વધારો કરવા દેશભરમાં ૪ નવી નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ વાઇરોલોજી કાર્યરત કરવાની મહત્વપૂર્ણ જાહેરાત પણ મહત્વની છે. વિજયભાઇ રૂપાણીએ આ બજેટથી ગુજરાતને થનારા વિશેષ લાભોની છણાવટ કરતાં જણાવ્યું કે, બજેટ-૨૦૨૧થી ગુજરાતના ગિફ્ટ સિટીને ખૂબ લાભ થવાનો છે. BSE - NSEમાં રોકાણકર્તાઓને એમના વિદેશી મૂડીરોકાણ પરના ટેક્સમાં રાહત આપવામાં આવી છે. ઉપરાંત, એરક્રાફ્ટ લિઝિંગ કંપનીઓને પણ કેપિટલ ગેઇનમાં લાભ મળશે. નવી નવી એરક્રાફ્ટ લિઝીગ કંપનીઓ ગુજરાતમાં આવશે. ખાસ કરીને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર ગિફ્ટ સિટીમાં બેન્કીંગ યૂનિટમાં રોકાણ કરશે તેમને કેપિટલ ગેઇન ટેક્સમાં જે છૂટ આપવામાં આવી છે તેનાથી પણ ગિફ્ટ સિટીને વધુ વેગ મળશે. ઇન્વેસ્ટમેન્ટ ફંડને મળેલા પ્રોત્સાહનને કારણે આવનારા દિવસોમાં ગિફિટ સિટીમાં ખુબ રોકાણ આવશે એવી આશા તેમણે વ્યકત કરી હતી.
વિજયભાઈ રૂપાણીએ એસ્પિરેશનલ જિલ્લામાં લેબોરેટરી બનવાથી સામાન્ય લોકોને સ્થાનિક કક્ષાએ આરોગ્ય તપાસની સુવિધાઓ મળી રહેશે તેમ ઉમેર્યું હતું. આ બજેટ આપત્તિને અવસરમાં પલ્ટાવનારૂં બજેટ છે એમ તેમણે કહ્યું હતું. દેશમાં ૧૦૦ સૈનિક સ્કૂલ અને ૭૫૦ એકલવ્ય મોડલ શાળા નિર્માણ કરવાના નિર્ણયથી વનબંધુ સહિત તમામ વર્ગના યુવાનો માટે શિક્ષણ અને કારકિર્દીના ક્ષેત્રે નવી ક્ષિતિજો ખુલી છે. મુખ્યમંત્રીએ સૌ પ્રથમ વખત ડિજિટલી વસ્તી ગણતરી અને જુના ભારે વાહન સ્ક્રેપ કરવાની પોલિસીને વિશેષ ગણી આવકારી હતી. તેઓએ ‘જલ જીવન મિશન-૨.૦’ અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાની અંદાજપત્રીય જોગવાઈઓને પણ મહત્વપૂર્ણ ગણાવી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નાબાર્ડ ઉપરાંતની માઈક્રો ઈરીગેશન માટેની નાણાકીય જોગવાઇ અને એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ આધુનિક ખેતીના વિકાસ માટે સરકારના અભિગમને સ્પષ્ટ કરે છે.મુખ્યમંત્રીએ દેશમાં વધુ એક કરોડ લોકોને ઉજ્જ્વલા યોજનાનો લાભ આપવાનો નિર્ણય તથા ૭ નવા ટેક્સટાઇલ મેગા ઇન્વેસ્ટમેન્ટ પાર્ક અને એમ.એસ.એમ.ઇ ક્ષેત્ર માટેની રૂ. ૧૫૦૦૦ હજાર કરોડની નાણાંકીય જોગવાઈ ગુજરાતને પણ લાભદાયી નીવડશે તેવો મત વ્યક્ત કર્યો હતો.મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રેલવેમાં ૧૦૦% બ્રોડગ્રેજ ઇલેક્ટ્રીફિકેશનના સંકલ્પથી ટ્રેનો ઝડપથી ચાલે તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સાથે કેવડિયામાં માટેની ટ્રેન સહિતની ટ્રેનોમાં વિસ્ટા ડોમ કોચ છે તેની સંખ્યામાં વધારો કરવાની જોગવાઇ પણ મહત્વનું કદમ છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતના દરિયા કિનારાને ધ્યાનમાં રાખીને પણ આ બજેટમાં વિશેષ જોગવાઇ કરવામાં આવી છે ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પણ આવનારા સમયમાં ગુજરાતને લાભ થશે.
