આદિજાતિ ગૌરવ રથયાત્રા મોસાલી ખાતે: બિરસા મુંડા અને ટંટ્યા ભીલની પ્રતિમાનું અનાવરણ
Live TV
-
આદિજાતિ ગૌરવ રથયાત્રા મોસાલી ખાતે: બિરસા મુંડા અને ટંટ્યા ભીલની પ્રતિમાનું અનાવરણ
રાષ્ટ્રનિર્માણમાં આદિજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજિત 'જનજાતીય ગૌરવ રથયાત્રા' સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોસાલી ખાતે આવી પહોંચી હતી.
આ પ્રસંગે બીજેપી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રતિમાનું અનાવરણ
મોસાલી ખાતેના કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે બે મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ ભગવાન બિરસા મુંડા અને ટંટ્યા ભીલની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આ અવસરે જણાવ્યું હતું કે,
"ભગવાન બિરસા મુંડાએ ભારતની ધરતી પરથી અંગ્રેજોને ખદેડવા માટે લડાઈ લડી સંઘર્ષ કર્યો હતો. તેમની જીવનયાત્રા આપણાં માટે પ્રેરણાસ્ત્રોત છે. બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે યોજાતી આ ગૌરવ યાત્રા આપણા આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓનાં સંઘર્ષ અને સ્વાભિમાનની યાદ અપાવે છે."
તેમણે માંગરોળ કિલ્લાના અવશેષોને સ્વાતંત્ર્ય સંગ્રામના સાક્ષી ગણાવ્યા હતા. વધુમાં, તેમણે બારડોલી સત્યાગ્રહનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે ધર્મ અને કર્મના માર્ગે ચાલીને રાષ્ટ્રધર્મ અને સ્વાભિમાન માટે લડત આપવાની પ્રેરણા આપી હતી.
સંસ્કૃતિનું જતન કરવા યુવાનોને અનુરોધ
પ્રદેશ અધ્યક્ષે આધુનિક ટેક્નોલોજીના યુગમાં યુવા પેઢીએ પોતાની સંસ્કૃતિ અને પરંપરા જીવંત રાખવા પર ભાર મૂક્યો હતો. તેમણે મોબાઇલ અને આધુનિકતાની વચ્ચે પણ આધ્યાત્મિકતા સાથે જોડાઈ રહેવા સૌને અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન મંત્રી તથા પદાધિકારીઓએ દેવમોગરા માતા તથા ભગવાન બિરસા મુંડાનું પૂજન-અર્ચન કર્યું હતું. આ વેળાએ મહાનુભાવોના હસ્તે રમતગમત ક્ષેત્રે જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમ મેળવનાર રમતવીરો, ચિત્રસ્પર્ધાના વિદ્યાર્થીઓ, વન અધિકારપત્રો, સમાજ સુરક્ષા તથા પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
