આદિવાસી વિસ્તારમાં જળસંકટ બનશે ભૂતકાળ : CM વિજય રૂપાણી
Live TV
-
આદિવાસી વિસ્તારોમાં પાણીની સમસ્યા હલ કરવા સરકારની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતાં મુખ્યમંત્રી, કહ્યું જળસંકટ નિવારણ માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ રહેશે. અરવલ્લી કલેકટર એમ. નાગરાજનએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાન ચાલે છે ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચ્યા હતા. મેઘરજ તાલુકાના બાંઠીવાડા ગામે તળાવ ઊડું કરવાના કામનું ભૂમિપૂજન કરી જળસંચય અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, આગામી ચોમાસામાં સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે ચોમાસામાં ૫ડનાર વરસાદનું ટીપે-ટીંપુ સંગ્રહ થાય તેવું વ્યા૫ક જળ અભિયાન લોકોનાં સાથ અને સરકારથી ઉપાડ્યું છે.
સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે, લોક-ભાગીદારીથી ૧૧,૦૦૦ લાખ ઘન ફૂટ પાણીના સંગ્રહ કરવાનું પાણીદાર આયોજન ગુજરાતે કર્યું છે અને તેનાં દ્વારા ગુજરાતની હયાત પાણીની સંગ્રહ ક્ષમતા દોઢ ગણી કરવાની નેમ છે. આ અભિયાનથી ગુજરાતના ૧૩ હજાર તળાવો ઉંડા કરાશે, ૩૨ નદીઓને પુન:જીવન કરાશે તેમજ ૫૫૦૦ કિલોમીટર ની કેનાલોની સાફ સફાઇ કરવામાં આવશે. આ ઉ૫રાંત ૩૩ હજાર એરવાલ્વ માંથી ટપકતાં પાણીને બંધ કરવામાં આવશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતુ કે, આદિવાસી વિસ્તારોની પાણીની સમસ્યાના ઉકેલ માટે સરકાર પ્રતિબધ્ધ છે. જળસંકટમાંથી બહાર આવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહેશે. અરવલ્લી APMC દ્વારા કન્યા કેળવણી નીધિનો રૂપિયા 21,૦૦૦/- નો ચેક, મુખ્યમંત્રીએ સ્વીકાર્યો હતો.