ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ -2023 અંતર્ગત પીટીસી કોલેજ દેવગઢ બારીયા ખાતે તાલુકા કક્ષાનો કૃષિ મેળો યોજાયો
Live TV
-
રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રીશ્રી બચુભાઈ ખાબડ નાં અધ્યક્ષસ્થાને* દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા પીટીસી કોલેજ ખાતે તાલુકા કક્ષાનો કૃષિ મેળો અને પરિસંવાદ કાર્યક્રમ યોજાયો.
ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ -2023 અંતર્ગત જાડા ધાન્ય પાકો અને પ્રાકૃતિક કૃષિ વિશે ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે તાલુકા કક્ષાનો કૃષિ મેળો અને પરિસંવાદ કાર્યક્રમ પીટીસી કોલેજ દેવગઢ બારીયા ખાતે રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડનાં અધ્યક્ષસ્થાને યોજાયો.
રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ ખેડૂતોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય તૃણ ધાન્ય વર્ષ તરીકે જાહેર કર્યું છે. આમ જોઈએ તો તૃણ ધાન્ય પાકોનું વર્ષોથી આપણે વાવેતર કરતા આવ્યા છીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રાકૃતિક કૃષિ વ્યાપ વધારવા માટે કટિબદ્ધ છે.
નાગરિકોના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક કૃષિ આવશ્યક બની રહી છે. કૃષિ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આરોગ્યની જાળવણી કરવા માટે પણ આપણા ખેડૂતોએ મિલેટસ ધાન્યોનું વાવેતર વધારવું જોઈએ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને આત્મનિર્ભર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મીલેટસ ધાન્યોના ઉત્પાદનને સતત પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ ઉપયોગ બંધ કરી પ્રાકૃતિક કૃષિ કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. કૃષિ મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવો હસ્તે લાભાર્થી ખેડૂતોને સહાય ચુકવણી અને પૂર્વ મંજૂરી હુકમ એનાયત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં વિવિધ સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવ્યાં હતાં. જેની કૃષિ મંત્રીએ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અરવિંદા પટેલિયા, તાલુકા પંચાયત પ્રમુખ જશવંતસિંહ રાઠવા, જિલ્લા પંચાયતના સભ્યો, જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રથિક દવે, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ.ડી.એલ.પટેલ, વરિષ્ટ વૈજ્ઞાનિકો સહિત ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
