ઉત્તર ગુજરાતમાં મહેસાણા ગુજકોમાસોલ પાર્કનું દિલીપ સંઘાણી અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાયું ખાતમુહૂર્ત
Live TV
-
જાણો ઉત્તર ગુજરાતના લાખો ખેડૂતોને કઈ કઈ સુવિધા મળશે?
રાજ્ય માર્કેટિંગ કોઓપરેટિવ ફેડરેશન એટલે કે ગુજકોમાસોલ (GUJCOMASOL) માં એક નવું અને નવીન પરિમાણ ઉમેરાયુ છે. મહેસાણાના પાલાવાસણા આરટીઓ પાસે નવા 'ઈન્ટિગ્રેટેડ લોજિસ્ટિક પાર્ક' નું ગુજકોમાસોલ (GUJCOMASOL) ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતુ. 65 કરોડના ખર્ચે 10 એકર વિસ્તારમાં તૈયાર થનારા આ 'ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક પાર્ક' થી મહેસાણાના સ્થાનિક ખેડૂતોને વિવિધ આધુનિક સુવિધાઓ મળી રહેશે. જેમાં 5000 મેટ્રિક ટન ક્ષમતા સાથે કોલ્ડ સ્ટોરેજ, 6 આધુનિક વેરહાઉસ, ફ્રોઝન ફળો અને શાકભાજી પ્રોસેસિંગ યુનિટ, 2000 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતા ફ્રોઝન સ્ટોર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે.
આ પાર્ક બનવાથી વિસ્તારના 4 લાખથી વધુ ખેડૂતોને સીધો લાભ મળશે. આ પ્રોજેક્ટ એક વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. આ પ્રસંગે દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે, આ ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક પાર્કએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની "સહકાર સે સમૃદ્ધિ" ના વિઝનને પરિપૂર્ણ કરશે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે "ફળો, શાકભાજી અને મસાલા જેવી કૃષિ પેદાશોને આ પાર્કમાં પ્રોસેસ, પેક અને લેબલ લગાવવામાં આવશે અને સમગ્ર ભારતમાં નાગરિકોને ગુજકો બ્રાન્ડ હેઠળ વેચવામાં આવશે. એટલું જ નહી આ ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીક પાર્કથી ઉત્તર ગુજરાતના પાંચ અને અમદાવાદ, ગાંધીનગર સહિત સાત જિલ્લાની 2000 મંડળીઓ અને ચાર લાખ ખેડૂતોને ફાયદો મળશે. ખેડૂતોની ખેતપેદાશોને પ્રોસેસિંગ કરી સીધી એક્ષ્પોર્ટ કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન ગુજકોમાસોલના વાઈસ ચેરમેન બિપીન પટેલ, મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તો મહત્વનુ છે કે ગુજકોમાસોલનું વર્ષ 2022-23 માં 4,700 કરોડનું ટર્નઓવર અને ચોખ્ખો નફો 7.22 કરોડ નોંધાયો છે.