એક મહાનગરપાલિકા અને 15 નગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિકાસ કામો માટે 453.72 કરોડ રૂપિયાની મંજૂરી
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસતા નાગરિકોના ‘ઇઝ ઓફ લિવિંગ’માં વધારો કરવા શહેરી જન સુખાકારી વૃદ્ધિના વિવિધ વિકાસ કામો માટે 453.72 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવણીની મંજૂરી આપી છે.
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રકમ રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકા તેમજ બોરસદ, કડી, ચોટીલા, સાવરકુંડલા, વિરમગામ, વેરાવળ- પાટણ સંયુક્ત નગરપાલિકા, વડનગર, રાજુલા, પ્રાંતિજ, સોજીત્રા, દેવગઢબારીયા, હાલોલ, ઉમરેઠ અને બારેજા નગરપાલિકાઓ માટે ફાળવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યની સ્થાપનાના સ્વર્ણિમ જયંતી વર્ષ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં નગરોના સર્વગ્રાહી વિકાસની નેમ સાથે આ યોજના શરૂ કરી હતી.
આ યોજના અન્વયે 2009 થી 2014 ના પાંચ વર્ષના પ્રથમ તબક્કામાં 7 હજાર કરોડ રૂ. તથા 2012 થી 2017 ના બીજા તબક્કામાં 15 હજાર કરોડ રૂ. ની જોગવાઈઓ કરવામાં આવી હતી.
ત્યારબાદ 2017 થી 23-24 ના વર્ષમાં ઉત્તરોત્તર ગ્રાન્ટની રકમ આ યોજનામાં ફાળવવામાં આવેલી છે. શહેરી જનજીવન સુખાકારીમાં મહત્વનું પ્રદાન કરતી આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વધુ ત્રણ વર્ષ એટલે કે 2026-27 સુધી ચાલુ રાખવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજના માટે આ વર્ષના બજેટમાં 8,634 કરોડ રૂ.ની જોગવાઈઓ કરેલી છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યત્વે ભૌતિક આંતર માળખાકીય સુવિધાઓ, સામાજિક આંતર માળખાકીય સુવિધાઓ, અર્બન મોબિલિટી, આગવી ઓળખના કામો, ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજના, આઉટગ્રોથ વિસ્તાર કામો જેવા ઘટકો નિયત કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તદઅનુસાર, ગાંધીનગર મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ વિસ્તારોના પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર વ્યવસ્થાના કામો માટે 308.75 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
એટલું જ નહીં, ભૌતિક આંતર માળખાકીય સુવિધાના કામો અન્વયે 9 નગરપાલિકા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર યોજનાના કામો માટે 118.53 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે.
મુખ્યમંત્રીએ વિકાસ કામો માટે વિશેષ ગ્રાન્ટ અન્વયે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાને સોમનાથ મંદિર આસપાસના વિસ્તારના ડામર રોડ કામો, પેવર બ્લોક ફીટીંગ કામો, મોટા વૃક્ષોના કુંડા મુકવાના તથા સાંસ્કૃતિક ચિત્ર કળા અને સૌંદર્ય કળાના કામો માટે 8.74 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આઉટગ્રોથ વિસ્તારના કામો એટલે કે નગરપાલિકાઓની નજીકમાં બહારના વિકસી રહેલા વિસ્તારોમાં જન સુવિધાના કામો માટે પણ નાણાં ફાળવવાનું પ્રાવધાન છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર કડી, ચોટીલા, સાવરકુંડલા અને વિરમગામ નગરપાલિકાઓને આર.સી.સી. રોડ, LED સ્ટ્રીટ લાઇટ નાંખવી, સી.સી. રોડ અને પેવર બ્લોક, નાળું, ટાંકી તથા સમ્પ વગેરેના ભૌતિક આંતર માળખાકીય સુવિધાના કામો માટે કુલ ૧૭.૨૦ કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે.
આ ઉપરાંત ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજનામાં બોરસદ અને કડી નગરપાલિકાને સોસાયટીમાં પેવર બ્લોક તથા આર.સી.સી. પાણીની પાઇપલાઇન નાંખવાના કામો વગેરે મળીને 49.93 લાખ રૂપિયા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યમંત્રીએ મંજૂર કર્યા છે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજના અંતર્ગત સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 43,199 કામો મંજૂર થયા છે તેમાંથી 39,625 પૂર્ણ થઈ ગયા છે અને 1,448 કામો પ્રગતિમાં છે.
આ હેતુસર, અત્યાર સુધીમાં મહાનગરપાલિકાઓને 2024.39 કરોડ રૂ. અને નગરપાલિકાઓને 305.30 કરોડ રૂ. ની રકમ ગ્રાન્ટ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે ચૂકવી છે.
હવે, મુખ્યમંત્રી સમક્ષ શહેરી વિકાસ વિભાગે રજૂ કરેલી 453.72 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ કામોની દરખાસ્તોને તેમણે અનુમતિ આપતા સંબંધિત નગરોમાં નાગરિકોની સુખાકારીના કામો વધુ વેગવંતા બનશે.
