કચ્છના કાંઠે હાઈ એલર્ટ: દરિયામાં મળેલા શંકાસ્પદ પેકેટો બાદ મરીન સુરક્ષા એજન્સીઓનું સઘન કોસ્ટલ પેટ્રોલિંગ
Live TV
-
કચ્છના દરિયાકાંઠા અને ક્રીક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સર્જાયેલી શંકાસ્પદ ઘટનાઓને પગલે સમગ્ર સુરક્ષા તંત્ર સજ્જ બની ગયું છે. દરિયામાંથી બિનવારસી હાલતમાં મળેલા ડ્રગ્સ જેવા શંકાસ્પદ પેકેટો અને ત્યારબાદ મળી આવેલી પાકિસ્તાની બોટને લઈને સુરક્ષા એજન્સીઓ સતત સતર્ક બની છે. જોકે પ્રાથમિક તપાસ દરમિયાન બોટમાંથી કોઈ વાંધાજનક સામગ્રી મળી આવી ન હોવાનું સામે આવ્યું છે, છતાં સમગ્ર ઘટનાક્રમે કચ્છના દરિયાઈ સુરક્ષા માળખાને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત ઉભી કરી છે.
રાજ્યની દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કચ્છના સંવેદનશીલ કાંઠા વિસ્તારમાં વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓએ કચ્છના સરહદી અને દરિયાઈ વિસ્તારોમાં આતંકવાદી પ્રવૃત્તિઓ, ડ્રગ્સની હેરાફેરી, દાણચોરી અને શંકાસ્પદ હિલચાલ પર કડક નજર રાખવા માટે વિશેષ આયોજન કર્યું હતું. આ કામગીરી અંતર્ગત મરીન પોલીસ, મરીન કમાન્ડો અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમોએ દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ શરૂ કર્યું છે.
કચ્છ જિલ્લાના લાલછતાંથી લઈને કાલાપાણી વિસ્તાર સુધી લગભગ પાંચ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. દરિયાકાંઠે આવેલા અવાવરૂ સ્થળો, સૂમસામ કિનારા, શંકાસ્પદ બોટો અને અજાણ્યા વાહનોની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. સુરક્ષા દળોએ દરિયાઈ માર્ગો મારફતે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવવા માટે ટેકનિકલ સર્વેલન્સ સાથે માનવબળનો પણ વ્યાપક ઉપયોગ કર્યો હતો.
મરીન કમાન્ડોની અલગ અલગ ટીમોએ દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં પહોંચી દરેક શંકાસ્પદ ચીજવસ્તુઓ અને હિલચાલ પર નજર રાખી હતી. ખાસ કરીને ડ્રોન મારફતે થતી ગતિવિધિઓ, દાણચોરી અને નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે વિશેષ ચેકિંગ કરવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓએ માછીમારો અને સ્થાનિક લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરી છે અને કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ નજરે પડે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો છે.
કચ્છનો વિશાળ દરિયાકાંઠો અને સરહદી વિસ્તાર દેશની સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. તાજેતરમાં બનેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ હવે વધુ સતર્ક બની છે અને આગામી દિવસોમાં પણ આવી કોસ્ટલ પેટ્રોલિંગ કામગીરી વધુ કડક બનાવવામાં આવશે તેવી માહિતી સામે આવી રહી છે.
