કપાસની ખેતીમાં બમ્પર ઉત્પાદન માટે વાવણી બાદ આ પગલાં લેવા ખેડૂતોને અનુરોધ
Live TV
-
ચાલુ સિઝનમાં કપાસના પાકને રોગ અને જીવાતથી સુરક્ષિત રાખીને મબલખ ઉત્પાદન મેળવવા માટે રાજ્યની ખેતી નિયામકની કચેરી દ્વારા ખેડૂતો માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. વાવણી બાદ પાકની યોગ્ય દેખરેખ અને સમયસરનું વ્યવસ્થાપન ખેડૂતોની આવકમાં વધારો કરી શકે છે.
જીવાત નિયંત્રણ માટે ખાસ પગલાં
ખેતી નિયામક કચેરીના જણાવ્યા અનુસાર, કપાસમાં મુખ્યત્વે ચૂસિયા પ્રકારની જીવાત અને ઈયળોનો ઉપદ્રવ વધુ જોવા મળતો હોય છે. તેના નિયંત્રણ માટે નીચે મુજબના સૂચિત પગલાં લેવા સલાહ આપવામાં આવી છે:ફેરોમોન ટ્રેપનો ઉપયોગ: પાન ખાનાર ઈયળ અને ગુલાબી ઈયળના ફૂદાં પર દેખરેખ રાખવા માટે હેક્ટરે 5 ફેરોમોન ટ્રેપ મૂકવા. ઓક્ટોબરના અંતથી છેલ્લી વીણી સુધી આ સંખ્યા વધારીને હેક્ટરે 40 કરવી.
જૈવિક નિયંત્રણ પર ભાર: સફેદ માખી, મોલો અને થ્રીપ્સ જેવા ઉપદ્રવ વખતે સીધી રાસાયણિક દવાનો ઉપયોગ ટાળવો. તેના બદલે લીમડા આધારિત દવાઓ, લીંબોળીની મીંજનો અર્ક અથવા બેસીલસ થુરીન્જીન્સીસ બેક્ટેરિયાના પાવડરનો છંટકાવ કરવો વધુ હિતાવહ છે.
ટ્રાઈકોગામાનો લાભ: નવેમ્બરથી ડિસેમ્બર દરમિયાન ટ્રાઈકોગામા ભમરીનો ઉપયોગ કરવાથી જીવાતનું જૈવિક નિયંત્રણ કરી શકાય છે. ખેતરમાં મકાઈની છાંટ નાખવાથી કુદરતી પરભક્ષીઓની સંખ્યામાં પણ વધારો થાય છે.
રાસાયણિક દવાનો યોગ્ય ઉપયોગ: જ્યારે જીવાતનું પ્રમાણ ક્ષમ્ય માત્રા વટાવે ત્યારે જ રાસાયણિક દવાનો છંટકાવ કરવો. ક્વિનાલફોસ, એમામેક્ટીન બેન્ઝોએટ, સ્પીનોસાડ કે ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ જેવી દવાઓનો છંટકાવ કરતી વખતે દર વખતે દવા બદલવી જોઈએ.
સાધનોની સફાઈ: રોગિષ્ટ ખેતરમાં વપરાયેલા ખેત ઓજારોને બીજા ખેતરમાં લેતા પહેલા પાણીના ફુવારાથી બરાબર સાફ કરવા અથવા કીટનાશકનો છંટકાવ કરવો અનિવાર્ય છે.વધુ માર્ગદર્શન માટે ક્યાં સંપર્ક કરવો?
ખેડૂતોને અપીલ કરવામાં આવે છે કે દવાઓના છંટકાવ વખતે લેબલ પરની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું. વધુ માહિતી કે માર્ગદર્શન માટે ખેડૂતો પોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી અથવા તાલુકા કે જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરી શકે છે.રાજ્ય સરકારના આ પગલાંનો હેતુ ખેડૂતોને પાક સંરક્ષણની વૈજ્ઞાનિક સમજ આપી તેમની આર્થિક સ્થિતિ સધ્ધર કરવાનો છે.
