કલોલના સાંતેજ ઔદ્યોગિક વિસ્તારમાં મીણ બનાવતી કંપનીમાં ભીષણ આગ: ત્રણ કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા
Live TV
-
કલોલના સાંતેજ ઔદ્યોગિક વિસ્તારમાં મીણ બનાવતી કંપનીમાં ભીષણ આગ: ત્રણ કર્મચારીઓ ગંભીર રીતે દાઝ્યા
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા સાંતેજ ઔદ્યોગિક વિસ્તારમાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. અહીં આવેલી મીણ (વેક્સ) બનાવતી એક ખાનગી ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં કંપનીના ત્રણ કર્મચારીઓ આગની ઝપેટમાં આવી જતાં ગંભીર રીતે દાઝી ગયા છે.
કેમિકલના કારણે આગે ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ
મળતી માહિતી મુજબ, કંપનીમાં મીણ અને વિવિધ વેક્સ કેમિકલ હોવાના કારણે આગે જોતજોતામાં અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી પ્રચંડ હતી કે તેના કાળા ડીબાંગ ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા, જેને પગલે આસપાસના અન્ય ઔદ્યોગિક એકમોના કર્મચારીઓમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો.
ઈજાગ્રસ્તોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયા
આગ લાગવાની સાથે જ કંપનીના સ્ટાફ અને આસપાસના લોકો તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાયા હતા. આગમાં ગંભીર રીતે દાઝી ગયેલા ત્રણેય શ્રમિકોને તાબડતોબ સારવાર અર્થે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ હોસ્પિટલના તબીબોની દેખરેખ હેઠળ ત્રણેય કર્મચારીઓની સારવાર ચાલી રહી છે.
ચાર શહેરોની ફાયર ટીમો દ્વારા 'મેજર કોલ' હેઠળ કામગીરી
આગની ભયાનકતા અને જોખમને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડ દ્વારા 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા તુરંત જ અલગ-અલગ વિસ્તારોમાંથી ફાયર ફાઈટરોને રવાના કરવામાં આવ્યા હતા. અમદાવાદ, કલોલ, ગાંધીનગર અને કડીની ફાયર ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ કેમિકલની આગ હોવાથી પાણી અને ખાસ ફીણ (Foam) નો મારો ચલાવી ભારે જહેમત ઉઠાવી હતી. કલાકોની સખત મહેનત બાદ ફાયર ફાયટરોએ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો, જેથી એક મોટી દુર્ઘટના ટળી હતી.
સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર પણ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને સાવચેતીના ભાગરૂપે વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો. શોર્ટ સર્કિટ અથવા પ્રક્રિયા દરમિયાન કોઈ ખામીના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા સેવવામાં આવી રહી છે, જે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
