ડિજિટલ યુગમાં પુસ્તક ક્રાંતિ: નવસારીના દેવધા ગામમાં ચીકુની વાડી વચ્ચે શરૂ થઈ અનોખી ‘મોહન વાંચન કૂટીર’
Live TV
-
ડિજિટલ યુગમાં પુસ્તક ક્રાંતિ: નવસારીના દેવધા ગામમાં ચીકુની વાડી વચ્ચે શરૂ થઈ અનોખી ‘મોહન વાંચન કૂટીર’
આજના આધુનિક યુગમાં મોબાઈલ, ટીવી અને સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ વચ્ચે નવી પેઢી પુસ્તકોથી દૂર થતી જાય છે. થોડી મિનિટો પણ સ્માર્ટફોન વગર ન રહી શકતા આજના યુવાનો અને બાળકોને ફરીથી વાંચન તરફ વાળવા એ એક મોટો પડકાર છે. આવા સમયમાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેવધા ગામમાં શરૂ થયેલી “મોહન વાંચન કૂટીર” વાંચન સંસ્કૃતિને ફરી જીવંત કરવાનો એક અનોખો અને પ્રશંસનીય પ્રયાસ બની રહી છે.
કુદરતના ખોળે જ્ઞાનનો મેળો: ચીકુ અને કેરીની વાડીમાં પુસ્તકાલય
દેવધા ગામની હરિયાળી વચ્ચે, કેરી અને ચીકુની વાડીમાં બનેલું આ પ્રાકૃતિક પુસ્તકાલય માત્ર પુસ્તકો રાખવાની જગ્યા નથી, પરંતુ જ્ઞાન, શાંતિ અને સંસ્કારનું કેન્દ્ર બની ગયું છે.
કોણે કરી શરૂઆત?:
નવસારીના જાણીતા યુવા લેખક અને વક્તા ડૉ. જય વશીએ પોતાના સ્વર્ગસ્થ દાદાની સ્મૃતિમાં આ વાંચન કુટીરની શરૂઆત કરી છે. “પરબ” સંસ્થા દ્વારા સંચાલિત આ પુસ્તક પરબનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો અને યુવાનોને મોબાઈલની આભાસી દુનિયામાંથી બહાર લાવી સાહિત્યની સાચી દુનિયા સાથે જોડવાનો છે. વેકેશન દરમિયાન અહીં દરરોજ મોટી સંખ્યામાં બાળકો અને યુવાનો ઉમટી પડે છે. કોઈ વાર્તાની દુનિયામાં ખોવાઈ જાય છે, તો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોમાં પોતાનું ભવિષ્ય શોધી રહ્યું છે. વિદ્યાર્થીઓ પોતાના નિયમિત અભ્યાસક્રમ સિવાયનું વાંચન કરીને જ્ઞાન મેળવી શકે તે માટે અહીં પુસ્તકોનું અદભુત કલેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે:
માત્ર વાંચન જ નહીં, સર્વાંગી વિકાસનું કેન્દ્ર
શહેરોની બંધ દીવાલો અને એસી રૂમ વાળા પુસ્તકાલયોથી અલગ, અહીં ખુલ્લા આકાશ નીચે, ઠંડા પવનની લહેરખીઓ અને પંખીઓના કલરવ વચ્ચે વાંચનનો એક અદભુત અનુભવ મળે છે. આ ઉપરાંત અહીં અન્ય બે વિશેષ વ્યવસ્થાઓ પણ છે:
૧. ધ્યાન કૂટીર: જ્યાં મુલાકાતીઓ મનને શાંત રાખવા માટે ધ્યાન (Meditation) કરી શકે છે.
૨. રોજગાર કૂટીર: જ્યાં યુવાનોને નોકરી, વ્યવસાય અને ઉજ્જવળ કારકિર્દી માટે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.
દક્ષિણ ગુજરાતમાં બની અનોખી ઓળખ
આજે દેવધાનું આ પ્રાકૃતિક પુસ્તકાલય સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આકર્ષણ અને પ્રેરણાનું કેન્દ્ર બન્યું છે. સોશિયલ મીડિયાના આ અતિરેકવાળા સમયમાં આ વાંચન કૂટીર સમાજને એક સકારાત્મક સંદેશ આપે છે કે—"ટેક્નોલોજી ગમે તેટલી આગળ વધે, પરંતુ વિચારશક્તિ, સંસ્કાર અને વ્યક્તિગત વિકાસ માટે પુસ્તકોનું મહત્વ હંમેશા અડીખમ રહેશે."
