નવસારી કૃષિ યુનિવર્સિટીનું બામ્બુ રિસર્ચ સેન્ટર બન્યું આદિવાસી સમાજની આજીવિકાનું 'આશાનું કેન્દ્ર'
Live TV
-
નવસારી કૃષિ યુનિવર્સિટીનું બામ્બુ રિસર્ચ સેન્ટર બન્યું આદિવાસી સમાજની આજીવિકાનું 'આશાનું કેન્દ્ર'
નવસારી કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓફ ફોરેસ્ટ્રીમાં કાર્યરત 'બામ્બુ રિસર્ચ સેન્ટર' આજે માત્ર એક સંશોધન કેન્દ્ર પૂરતું સીમિત ન રહેતા, દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય અને આદિવાસી વિકાસનું એક જીવંત અને સફળ મોડેલ બનીને ઉભરી આવ્યું છે. આ કેન્દ્ર ખાસ કરીને પરંપરાગત રીતે વાંસકામ સાથે જોડાયેલા કોટ-વાળીયા આદિવાસી સમાજ માટે આર્થિક આત્મનિર્ભરતાનું નવું કિરણ લઈને આવ્યું છે.
વાંસ સાથે સદીઓ જૂનો નાતો, હવે ટેક્નોલોજીનો સાથ
દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, તાપી અને ડાંગ જિલ્લાઓમાં વસતા કોટ-વાળીયા સમાજનો જીવનવ્યવહાર વર્ષોથી વાંસ અને તેની બનાવટો પર નિર્ભર રહ્યો છે. આ પરંપરાગત કૌશલ્યને આધુનિક સમયની માંગ સાથે જોડવા માટે બામ્બુ રિસર્ચ સેન્ટર દ્વારા વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અહીં આદિવાસી શ્રમિકોને નવી ટેક્નોલોજી અને આધુનિક તાલીમ આપીને વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરી શકે તેવા સક્ષમ બનાવવામાં આવી રહ્યા છે. કેન્દ્રમાં વાંસની વૈજ્ઞાનિક ખેતી અને વાવેતરની પદ્ધતિઓ શીખવવાની સાથે બજારમાં ઊંચી માંગ ધરાવતી આધુનિક વસ્તુઓ બનાવવાની વિશેષ તાલીમ આપવામાં આવે છે.
ઉકાઈ ખાતે 'બામ્બુસેટમ'માં 30 થી વધુ પ્રજાતિઓ પર સંશોધન
વાંસના સંરક્ષણ અને સવર્ધન માટે વન વિભાગ પણ આ અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. તાપી જિલ્લાના ઉકાઈ નજીક વન વિભાગ દ્વારા 'બામ્બુસેટમ' (વાંસ સંવર્ધન કેન્દ્ર) કાર્યરત કરવામાં આવ્યું છે. આ વિશેષ કેન્દ્રમાં વાંસની 30 થી વધુ વૈવિધ્યસભર પ્રજાતિઓનું સંરક્ષણ કરવામાં આવ્યું છે અને તેના પર સતત વૈજ્ઞાનિક સંશોધનો ચાલી રહ્યા છે.
કચરામાંથી કંચન: સ્પીકરથી લઈને ઇકો હાઉસ સુધીનું સર્જન
પરંપરાગત ટોપલા-સૂપડાંથી આગળ વધીને હવે આ કેન્દ્રમાં આધુનિક લાઈફસ્ટાઈલને અનુરૂપ અદભુત અને પર્યાવરણને અનુકૂળ (Eco-friendly) પ્રોડક્ટ્સ તૈયાર થઈ રહી છે. બામ્બુ રિસર્ચ સેન્ટર અને સ્થાનિક કારીગરોની મહેનતથી અત્યારે બજારમાં આ વસ્તુઓ ધૂમ મચાવી રહી છે. ઘર અને બગીચાની સજાવટ વસ્તુઓ જેવી કે, ગાર્ડન શેડ, ગેઝિબો, હેન્ગીંગ લાઈટ અને ગાર્ડન ડેકોર, રોજિંદા વપરાશની વસ્તુઓ: બામ્બુ સ્પૂન (ચમચી), બામ્બુ Straw (સ્ટ્રો) અને અગરબત્તી સ્ટેન્ડ, આ સિવાય ઇકો હાઉસ, બર્ડ હાઉસ અને અદભુત સાઉન્ડ ક્વોલિટી ધરાવતા 'બામ્બુ મોબાઈલ સ્પીકર' વસ્તુઓ ધૂમ મચાવી રહી છે.
આત્મનિર્ભરતા તરફ મક્કમ કદમ
સ્થાનિક રોજગારી અને કૌશલ્ય વર્ધનના સમન્વયથી આ કેન્દ્રએ આદિવાસી પરિવારોને વચેટીયાઓથી મુક્ત કરી સીધા બજાર સાથે જોડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. પર્યાવરણના જતન સાથે આર્થિક સક્ષમતા લાવતું નવસારીનું આ બામ્બુ રિસર્ચ સેન્ટર સાચા અર્થમાં 'વોકલ ફોર લોકલ'ના સૂત્રને સાર્થક કરી રહ્યું છે.
