કેનાલ ઉપર સોલાર પેનલથી 29.51 મિલિયન યુનિટ સ્વચ્છ વીજળીનું ઉત્પાદન
Live TV
-
વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની શાખા નહેરો ઉપર 13 કિલોમિટર લાંબી સોલાર પેનેલો બેસાડી કરોડો રૂપિયાની વીજળી ઉત્પન્ન કરી છે. સમા, નિમેટા અને રવાલમાંથી પસાર થતી કેનાલ ઉપર લગાવાયેલી સોલાર પેનલ થકી અત્યાર સુધીમાં 29.51 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.
સરદાર સરોવર નિગમ દ્વારા સમા કેનાલ ખાતે 3.6 લંબાઇમાં 33,816 સોલાર પેનલ મૂકવામાં આવી છે. કેનાલથી 22 મિટર ઉંચે 1600 ટનના મોડ્યુલિંગ સ્ટ્રક્ચર સાથે 14 ઇન્વર્ટર તથા બે ટ્રાન્ફોર્મર પણ મૂકવામાં આવ્યા છે. 10 મેગા વોટના આ પ્રોજેક્ટ દુમાડથી વડોદરા શહેરમાં પ્રવેશતા નાગરિકો માટે આકર્ષણ પણ ઉભું કરે છે. આ પરિયોજના થકી અત્યાર સુધીમાં એટલે કે એક દાયકામાં 4.23 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થયું છે. નિમેટા પાસે કેનાલ ઉપર સૌથી વધુ લંબાઇ 4 કિલોમિટર લંબાઇનો સોલાર પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે. 10 મેગા વોટના આ પ્લાન્ટમાં 1623 ટન લોખંડના સ્ટ્રક્ચર ઉપર 33080 સોલાર પેનલ બેસાડવામાં આવી છે. સરદાર સરોવર નિગમ દ્વારા કેનાલ પાસે પડતર રહેતી જમીનમાં પણ પણ પાંચ મેગા વોટની ક્ષમતા ધરાવતા સોલાર પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. આ માટે 15874 સોલાર મૂકવામાં આવી છે. જે સ્થિતિસ્થાપક છે એટલે કે, સૂર્યપ્રકાશ પ્રમાણે તેને ફેરવી શકાય છે.
વાઘોડિયા તાલુકાના રવાલ પાસેથી પસાર થતી શાખા નહેરના કાંઠા ઉપર પણ સોલાર પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. ૧૦ મેગા વોટના આ પ્લાન્ટ માટે 33600 પેનલ બેસાડવામાં આવી છે. અહીં 10 ઇન્વર્ટર, ૨ ટ્રાન્ફોર્મર પણ રાખવામાં આવ્યા છે. આ પ્લાન્ટને ઉભો કરવા માટે 443 ટન લોખંડનું સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું છે. વર્ષ 2017થી કાર્યરત આ પ્લાન્ટમાંથી 9.31 મિલિયન યુનિટી વીજળીનું ઉત્પાદન થયું છે. આમ, સરદાર સરોવર નિગમ દ્વારા 13 કિલોમિટર લાંબી કેનાલ અને તેના કાંઠા ઉપર 35 મેગા વોટ પ્લાન્ટ માટે 116366 સોલાર પેનલ મૂકી 29.51 મિલિયન યુનિટી વીજળીનું ઉત્પાદન કર્યું છે.
