કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે માણસાને 241 કરોડના વિકાસકામોની ભેટ આપી
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ તેમજ હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં, ગાંધીનગરના અંબોડ ખાતે, 234 કરોડના ખર્ચે સાબરમતી નદી પર નિર્માણ થનારા બેરેજનું ભૂમિપૂજન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું.
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે રૂ. 1.33 કરોડના ખર્ચે લાકરોડા ગામે સાબરમતી નદીના કાંઠે નીલકંઠ મહાદેવ મંદિર પાસે કાંઠા સંરક્ષણ દિવાલના કામનું લોકાર્પણ કર્યું. રૂ. 79 લાખના ખર્ચે બદપુરા ગામે ચેકડેમનું લોકાર્પણ, રૂ. 3.13 કરોડના ખર્ચે માણસા ગામે નવા વિશ્રામ ગૃહનું નિર્માણ તથા જૂના વિશ્રામ ગૃહના સમારકામ અને મજબૂતીકરણના કામનું લોકાર્પણ, રૂ. 1.04 કરોડના ખર્ચે ચરાડા કન્યા પ્રાથમિક શાળામાં નવીન 8 વર્ગખંડોનું લોકાર્પણ અને રૂ. 52 લાખના ખર્ચે દેલવાડા પ્રાથમિક શાળામાં નવીન 4 વર્ગખંડોનું લોકાર્પણ કર્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાતના જે જિલ્લાઓમાં પાણીની અછત હતી, ત્યાં ખેતી તો દૂર પરંતુ શુદ્ધ પીવાનું પાણી પણ પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ નહોતું તેવા વિસ્તારોમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દુરંદેશી અભિગમ થકી નર્મદાજળથી સિંચાઇ યોજના, સુજલામ સુફલામ્ યોજના તથા સૌની યોજના જેવી સિંચાઇ લક્ષી યોજનાઓના અમલીકરણથી ગામે ગામ સિંચાઇ તથા પીવાનું શુદ્ધ પાણી પહોંચ્યું છે. આવનારા દિવસોમાં સાબરમતી નદી પર 14 ડેમ બનાવી, નદી બારેમાસ પાણીથી છલોછલ રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યની નદીઓ પર ડેમ બનાવી તથા તમામ ગામડાઓમાં તળાવો બનાવવાથી વરસાદનું પાણી દરિયામાં જતું અટક્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી એ વધુમાં ઉમેર્યુ હતું કે, અંબોડ મહાકાળી માતાનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે. અંબોડ પાસે સાબરમતી નદીમાં બેરેજ બનાવવાં માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતરી આપી છે કે, આ બેરેજને એકથી દોઢ કિલોમીટર આગળ લઈ જવામાં આવશે. બેરેજ આગળ લંબાવવાથી મહાકાળી માતાજીના મંદિરના કિનારે સુંદર સરોવરનું નિર્માણ થશે અને અંબોડને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં સરળતા રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, સાબરમતી નદીમાં ચોમાસા દરમિયાન વહી જતાં પાણીનો સંગ્રહ થાય તે માટે ધરોઈ ડેમથી જુદી જુદી 5 જગ્યાએ સિરિઝ ઓફ બેરેજ બનાવવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે. અંબોડ ખાતે આ આયોજન અન્વયે 234 કરોડનો બેરેજ આકાર પામશે, તેમ જ માણસાના 8 ગામોની 3500 હેક્ટર જમીનને સિંચાઈ સુવિધા મળશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રીએ જળશક્તિ સાથે જનશક્તિને જોડીને ગુજરાતને પાણીદાર રાજ્ય બનાવ્યું છે. તેમના દિશાદર્શનમાં પાછલા 23 વર્ષોમાં હજારો ચેકડેમ, બોરીબંધ, ખેત-તલાવડીઓ, ગામતળાવ જેવા જનભાગીદારી યુક્ત જળસંચય કામોથી કરોડો ઘન મીટર પાણીનો સંગ્રહ થયો છે, એમ તેમણે ઉમેર્યું હતું. પ્રધાનમંત્રીએ અમૃતકાળમાં દરેક ગામાં અમૃત સરોવર નિર્માણ, તળાવોના નવીનીકરણ તેમ જ વરસાદી પાણીના સંગ્રહ માટે ‘કેચ ધ રેઈન’નો કોન્સેપ્ટ આપ્યો છે, તેને સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે, એમ પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.