કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 340 કરોડના 84 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
Live TV
-
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગાંધીનગરના સોનીપુર ગામે વિકાસકાર્યોનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તાર માટે અંદાજે 340 કરોડના 84 વિવિધ જનહિતલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં શરૂ થયેલ જનહિતના કામો અવિરત ચાલી રહ્યા છે. સરકાર આરોગ્ય, શિક્ષણ અને પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓના વ્યાપને વિસ્તારવા માટે કટિબદ્ધ છે. તેમણે વર્ષ 2029 સુધીમાં ગાંધીનગરના દરેક ગામમાં અદ્યતન પુસ્તકાલય, બગીચો અને મનોરંજનના સ્થળો ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે ઘૂસણખોરો સામે સરકારની મક્કમતા દોહરાવી હતી અને વીર સાવરકરની જન્મજયંતિ નિમિત્તે તેમના ક્રાંતિકારી યોગદાનને યાદ કર્યા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગરને ‘હરિયાળી લોકસભા’ બનાવવા 1 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રાજ્ય સરકાર ગાંધીનગરમાં દેશની સૌથી મોટી અને આધુનિક ‘નમો સેન્ટ્રલ લાઇબ્રેરી’ બનાવવા માટે 100 કરોડની જોગવાઈ કરી રહી છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, CSR ફંડ અને દાતાઓના સહયોગથી ૨૦ ગામોમાં લાઈબ્રેરી સ્થાપવાનું આયોજન છે, જે અંતર્ગત આજે ત્રણ ગામોમાં અદ્યતન વાંચનાલયો શરૂ કરાયાં છેઆ કાર્યક્રમમાં ધારાસભ્ય રીટાબેન પટેલ, અલ્પેશ ઠાકોર, ભાજપાના પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
