કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના હસ્તે જન પોષણ કેન્દ્રના પાઇલટ પ્રોજેક્ટનો શુભારંભ
Live TV
-
ભારતના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા વાજબી ભાવની દુકાનો (FPS)ને 'જન પોષણ કેન્દ્ર'માં પરિવર્તિત કરવાના પાઇલટ પ્રોજેકટનો અમદાવાદમાં શુભારંભ કરવામાં આવ્યો. સાબરમતી વિસ્તારમાં 'જન પોષણ કેન્દ્ર'ના ઉદ્ઘાટનમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહજી પરમાર કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત રહ્યા હતા
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ વર્ચ્યુઅલ સંબોધનમાં જણાવ્યું હતું કે, દેશનાં 4 રાજ્યોમાં 60 વાજબી ભાવની દુકાનો (FPS)ને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવામાં આવી છે. જન પોષણ કેન્દ્ર યોજનામાં 50 ટકાથી વધુ પોષણયુક્ત અને પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી વેપારીની આવકમાં વધારો થશે અને લોકો પોષણયુક્ત વસ્તુઓની સીધી ખરીદી શકશે. સમગ્ર દેશમાં 3.5 લાખ વાજબી ભાવની દુકાનો આવેલી છે. જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) અંતર્ગત ફ્રી રાશનનું વિતરણ કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર આ માટે રૂપિયા બે લાખ કરોડથી વધુ ફાળવે છે, એવું તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર ગરીબોને ફૂડ સિક્યોરિટી આપી રહી છે. આગામી સમયમાં વધુમાં વધુ દુકાનોને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવાનું આયોજન છે, જેથી દેશના નાગરિકો સુધી પૌષ્ટિક અને ગુણવત્તાયુક્ત આહાર પહોંચે. વન નેશન, વન રાશન કાર્ડની યોજના હેઠળ 144 કરોડ પોર્ટેબિલિટી ટ્રાન્ઝેક્શન થાય છે. આ યોજનાથી કોઈ પણ રાજ્યની માઇગ્રેટ થયેલી વ્યક્તિ કોઈ પણ જગ્યાએથી રાશન સરળતાથી મેળવી શકે છે.
આ અવસરે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે, જનપોષણ પ્રોજેકટ અંતર્ગત આજે અમદાવાદ શહેરની કુલ 15 સરકારમાન્ય વાજબી ભાવની દુકાનોને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવામાં આવી છે. આવનારા સમયમાં રાજ્યનાં વિવિધ શહેર અને જિલ્લાઓમાં પણ તબક્કાવાર જન પોષણ કેન્દ્રનો પ્રારંભ થશે.
આ યોજના અંગે વાત કરતા તેમણે વધુમાં કહ્યું કે, જન પોષણ કેન્દ્રમાં અમૂલની પ્રોડક્ટ પણ મળતી થશે. આ યોજના અંતર્ગત દુકાનદારોની આવકમાં પણ વધારો થશે,
આ અવસરે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ વર્ચ્યુઅલ માધ્યમથી વાજબી ભાવના દુકાનદાર તથા જન પોષણ કેન્દ્રના લાભાર્થી જગદીશ ગુપ્તા સાથે સંવાદ કર્યો હતો. જેમાં દુકાનદાર જગદીશ ગુપ્તાએ કહ્યું હતું કે, તેઓ આ દુકાન છેલ્લાં 50થી વર્ષથી પણ વધુ સમયથી ચલાવે છે અને તેમાં તેમને સરકારનો પૂરેપૂરો સાથ મળ્યો છે. આ વાજબી ભાવની દુકાનો (FPS)ને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવાથી ગ્રાહકોને ઘણો લાભ મળવાનો છે.
